હોમ

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

વહેંચવાની મજા..

વરસો પહેલાંની વાત છે. કોઇ એક પ્રદેશમાં એક ગુરૂજીનો આશ્રમ હતો અને આજુબાજુના રાજ્યોમાંથી રાજકુમારો ત્યાં અભ્યાસ માટે આવતા. ગુરૂજીની પરીક્ષણ માટેની એક બેજોડ પધ્ધતી હતી, દરેક રાજકુમાર સાથે તેઓ સાંજે નદી કીનારે ટહેલવા નીકળે અને પ્રશ્ર્નાર્થ તેમજ ચર્ચા વડે જાણે કે એ કેટલો તૈયાર થયો છે અને કેટલું હજી શીખવાનું બાકી છે.

એક સાંજે એ એવા જ કોઇ એક રાજકુમારને લઈને ફરવા નીકળ્યા. રાજશાસ્
ત્ર, અર્થ શાસ્ત્ર, શસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરે ઉપર ગુરૂજીને સંતોષકારક જવાબ મળ્યા. અને ગુરૂજીને થયું કે આને હવે રાજાને પરત સોંપવાનો સમય આવી ગયો છે.

એ દરમ્યાન નદી કીનારે એક ખેતરની બહાર લગભગ ફાટેલા કહી શકાય એવા બુટની જોડી રાજકુમારના ધ્યાનમાં આવી. એણે ગુરૂજીને કહ્યું કે ચાલો હું આ બુટને સંતાડી દઊં અને પછી આપણે ઝાડ પાછળથી જોશું. જે વ્યક્તિને એના બુટ નહી મળે તો કેવો મુંઝાશે? અને પછી આપણે એને બુટ આપી દેશું.

ગુરૂજી કહે હેતુ મજા નો જ છે ને? તો એક કામ કર. બુટ સંતાડવા કરતાં એમાં એક એક સીક્કો નાખ અને પછી હાલ બન્ને ઝાડ પાછળ સંતાઇને જોઇએ. રાજકુમાર એમ કરે છે.

થોડી વારમાં એ ખેતરમાંથી થાકેલો, ફાટેલા કપડાં પહેરેલો અને જીર્ણ શરીર વાળો એક ખેડુત બહાર આવ્યો. એણે બુટમાં પગ નાખ્યો અને કાંઇક અથડાયું. એ આશ્ચર્યથી જુવે છે તો સોનાનો સીક્કો... અને એ ચારે તરફ જોવા લાગે છે કે કોનો હશે? અને અહીં કેમ કરતાં આવ્યો હશે? મુંઝવણમાં બીજો બુટ પણ પહેરવા જાય છે અને એજ અનુભવ.

હવે ગભરાય છે, કે મારા બુટમાં બે સોના મહોર? પણ કોઇ પદ ચિન્હો નથી દેખાતા અને અવાવરૂ રસ્તો હતો, એ ખેડુત પોતાના ગોઠણ ઉપર બેસી ગયો. અને આંખમાં આંસુ સાથે પ્રાર્થના કરવા લાગ્યો. હે ભગવાન જે કોઇએ મને આ આપ્યું છે એનો આભાર. મારા બાળકોને આહાર, પત્નીને સારવાર અને ઘરમાં અન્ન આવશે સાથે થોડી ખુશી પણ. અને એની ચાલમાં જોમ આવ્યું અને એ રવાના થયો.

ગુરૂજીએ જોયું તો રાજકુમારની આંખમાં આંસુ હતા. અને એણે કહ્યું કે હું મારો પહેલો પાઠ આજે શીખ્યો.

મોરલ: કોઇ પણ બાબત ઝુંટવવા, લઈ લેવા, આંચકી લેવા કરતાં આપવામાં, શેર કરવામાં, વહેંચવામાં વધારે આનંદ રહેલો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો