હોમ

શુક્રવાર, 20 ઑક્ટોબર, 2017

મુંબઈની દિવાળીની મજા દાયકાઓ પહેલાં

વીડીયો કિલ્ડ ધ રેડીયો સ્ટાર... આવું એક પશ્ચિમી ગીત હતું જેની બેઠ્ઠી ઉઠાંતરી ભપીદાએ કોઈ યહાં નાચે નાચે... ગીત બનાવ્યું. વેલ ઉઠાંતરી એ મુદ્દો નથી. મુદ્દો આજે વોટ્સએપ વડે સંદેશ મોકલી લાગણીઓ વ્યક્ત કરી દીધી. રૂબરૂ મિલન મુલાકાત ના શિષ્ટાચાર હવે દુર્લભ થતા જાય છે.

કેટલીક વાતો હવે નોસ્ટાલ્જીક જ લાગે.

સવારે પાંચ વાગે ઉઠી ન્હાઈને તૈયાર થઈ જવાનું. ગોવાલીયા ટેંક પાસે લક્ષ્મી નારાયણ મંદિર, બાબુલનાથ, મુંબાદેવી, મહાલક્ષ્મી અને બિલ્ડીંગ ના જ કબીરવાડી હનુમાનજી દર્શન.

મારા ફુવા બોરીવલીથી પહેલી લોકલ (ચાર વાગ્યા ની) પકડીને ગ્રાન્ટરોડ સ્ટેશનથી મુંબાદેવી દર્શન કરી સાડાપાંચ વાગ્યે અમારા ઘરે આવે. એમના આવતાં પહેલાં તૈયાર થઇ જવું એ આદેશ રહેતો.

રાજકોટ ખાતે લગભગ આવો જ કાર્યક્રમ હોય. પણ અમદાવાદમાં આવ્યા બાદ હવે રીલેક્સ થયું. પહેલી દિવાળીના દિવસે પાડોશીઓ બઘવાઈ ગયા કે આટલા વહેલી સવારે ક્યાં? જણાવ્યું કે મંગળા દર્શન કરવા. બપોરના એ પુછવા આવ્યા કે ઘરે બધાને સારું છે ને? આટલા બધા તમારા ઘરે આવ્યા એટલે. વેલ સમય અને સ્થળ અનુસાર બદલાવ આવતો જ રહે છે.

વેલ પાછા મુંબઈમાં

સાત વાગતાં દેવ દર્શન કાર્યક્રમ પુર્ણ થયો હોય. પુણ્યના ભાથા ભર્યાં બાદ હવે પેટ ભરવાની વેતરણ હોય.

બિલ્ડીંગ ના છોકરાંવના ચાર ગૃપ પડે (ઉંમર અને જેન્ડર અનુસાર) અલગ અલગ બ્લોકથી શરૂઆત થાય. વીસ-પચ્ચીસ નું એક ટોળું હોય. સામુહિક હુમલો થાય... પહેલાં ઘરના તમામ સદસ્યો ને પગે લાગી, નૂતન વર્ષાભિનંદન કરવાનું અને પછી ટેબલ ઉપર પડેલી વાનગીઓ, મુખવાસ પર ત્રાપડ બોલે. આવું 240+ ઘરમાં થાય અને એટલી ઝડપ કે સાડા દસ વાગે મેદાનમાં ફટાકડા ફોડવા હાજર રહેવું જરૂરી હોય. ખીસ્સા તરબતર હોય. ચોકલેટ, ટોફીઝ, મુખવાસ અને પેક્ડ મીઠાઈ. એ, બી, સી બ્લોક અને એક થી ચાર માળ સતત દોડતાં રહેવાનું. જ્યારે અન્ય ગૃપ ક્રોસ થાય ત્યારે માહિતી આપ-લે થાય. ક્યાં શું છે.
સાડાદસ સુધીમાં સિનિયર બોય્ઝ મેદાનમાં આવે. જેટલા બિલ્ડિંગ માં રહેતા લોકો દર્શન કરવા કે અન્ય કારણે બહાર નીકળે તેને પગે લાગી ફટાકડા ફંડ એકત્ર કરવામાં આવે. અને લેમિંગ્ટન રોડ પોલીસ સ્ટેશન સામે આવેલ વેલજી ભાઈની દુકાનમાં થી ફટાકડા આવે. મુખ્યત્વે બોમ્બ હોય અને આકર્ષણ રૂપ હોય 10000ની લુમ (લાંબી તડાફડી) વીસ મિનિટ માટે મેદાન માં યુદ્ધ ભુમિ જેવો હાલ હોય.

નાણાવટી ભાઈ સળગતી લુમને ફેરવીને લોકોને ચકીત કરતા.

અગ્યાર વાગે સમુહમાં ઉજવણી સમાપન થાય અને પછી પરિવાર એક બીજાને ત્યાં બપોર સુધી ફરતા રહે.

બપોરના અઢી બાદ પરાંમાં રહેતા સગાં ની શરૂઆત થાય. પાર્લા, ખાર, અંધેરી, બોરીવલી અને ઘાટકોપર. હવે સવારની સફેદ ચાદર થોડી મેલી થઈ હોય, નાસ્તા ના બાઉલ સતત રીફીલ થતા રહે. કેલ્વર્ટના શરબતના શીશા સ્ટોક ચેક થતા રહે. રાત્રે દસ સુધી ધબધબાટી હોય. પછી ગરમાગરમ ફુલવડા જમવામાં આવે. બીજા દિવસે પરાંમાં જવાનું હોય. મામા, કાકા અને અન્ય સગા વહાલાં ને ઘરે.

અને બદલાયેલા ડટ્ટા કેલેન્ડર માં આવતી દિવાળી ક્યારે છે તે જાણી એના આયોજન શરૂ થાય.

#આ_તો_એક_વાત #એ_પણ_શ્રેષ્ઠ_દિવસો_હતા

મંગળવાર, 17 ઑક્ટોબર, 2017

દિવાળીની મજા ૧૯૮૦ ના દાયકાની વાત

આજે સાંજે ગુરૂકુળ રોડ, વ્યાસ વાડી અને નારણપુરાના માર્કેટમાં અવર્ણનીય ભીડ જોઈ બાળપણમાં એક યાત્રા આપોઆપ થઈ ગઈ. 1977 - 1984.

મુંબઈમાં રવો, મેંદો, ખાંડ, સિંગતેલ કે ઈવન આરે ડેરીનું દુધ...સવારના એક હળવો અવાજ મિતેષ ચાલો દુધનો સમય થયો. અને સવારે સાડા પાંચ વાગ્યે લાઈનમાં ઉભા રહી જવાનું. ખુદના કાર્ડ (યસ ક્વોટા મુજબ જ મળે) ઉપરાંત જે પાડોશીઓ વેકેશનમાં દેશ માં ગયા હોય એમના પણ કાર્ડ સાથે. સાત વાગ્યા સુધીમાં દુધ મળી જાય. જેના પાસે કાર્ડ ન હોય એને "પરત રાંગેત યા, જાસ્ત અસેલ તર મિળેલ".

દુધ બાદ તેલની લાઈન અને રવો મેંદો અને ખાંડની લાઈન. આ બધું અઢીસો ગ્રામ પ્રત્યેક વ્યક્તિનું.
મીઠાઈ અલભ્ય અને માવો લેવા દાદર જવું પડતું. ગ્રાન્ટરોડ શાકભાજી માર્કેટ મોંઘુ. એટલે ભાયખલ્લા કે ક્રોફર્ડ માર્કેટ જ જવું પડતું.

મહેમાનો ઘરે પધાર્યા હોય, મુંબઇ દિવાળી કરવા અને ફરવા. એમને આ જફામાં પાડવાના ન હોય.

લગભગ ત્રણ દિવસની ફિલ્ડિંગ બાદ પુરતો સ્ટોક થાય. હા દુધ માટે રોજ.

બપોરના બે વાગ્યા બાદ મહેમાનોને મુંબઈમાં ફેરવવા લઈ જવાની જવાબદારી. અને એ પણ પદયાત્રા. હેંગીંગ ગાર્ડનથી નરીમાન પોઈંટ (બીજી વાર મહેમાન હિંમત ન કરે એટલી જ ભાવના  ) અને થાકેલા મહેમાનો મીઠી ફરીયાદ કરે કે આ મિતેષ બહુ ચલાવે.

અને રાત્રે ગણતરીના ફટાકડા ફોડવામાં આવે.પછી અંતાક્ષરી, રંગોળી અને જ્યાં જગ્યા મળે ત્યાં ઉંઘી.જવાનું. એમાં પણ આનંદની અનુભૂતિ થાય.

ઓછપ ક્યારેય નહોતી અનુભવી. એક રૂમ રસોડાના ઘરમાં સત્તર થી વિસ મહેમાનો સાથે સંકડામણ નહોતી અનુભવી. સ્ટેશન (મુંબઇ સેન્ટ્રલ ઘરથી વોકિંગ ડીસ્ટન્સ) લેવા જવામાં પણ ઉમળકો હતો.

ભભકો વધ્યો, ભૌતિક સુખ સગવડો વધી. પણ પારીવારીક આત્મિયતા આજે અલભ્ય છે.