હોમ

બુધવાર, 21 ફેબ્રુઆરી, 2018

માતૃભાષા દિવસ પર કેટલીક અનુભવોક્તિ

માતૃભાષા દિવસ: 

કેટલાક અનુભવો:

૧૯૯૯-૨૦૦૦ | પ્રદુષણ નિયંત્રણ વિભાગને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ માટે કેમીકલ્સની જરૂર હતી. અને ફિનલેન્ડની કંપનીની વિગત મળી. ઇ-મેઈલ કર્યો. અને બીજા દિવસે જવાબ પણ આવ્યો અને સાથે ફોન પણ. થોડી અંગ્રેજી વાર્તાલાપ બાદ એમણે પુછ્યું કે ભારતના ક્યા વિભાગમાં આપ છો? જવાબ આપ્યો કે રાજકોટ - ગુજરાત. અને એ ભાઇ સીધા ગુજરાતીમાં વાર્તાલાપ કરવા લાગ્યા.
પરીવાર ફિનલેન્ડમાં ત્રીસ વરસથી સેટલ્ડ. અને ઇસ્ટ આફ્રીકાથી ત્યાં ગયા હતા. એટલે માતૃભૂમિથી તો અંદાજે ચાર પેઢીથી દુર. એ ભાઈએ તો કદાચ ગુજરાત જોયું પણ નથી. છત્તાં સ્પષ્ટ અને સરસ ગુજરાતી બોલતા હતા. અને જણાવ્યું કે પાંચમી પેઢી પણ ઘરમાં તો ગુજરાતી જ બોલે છે.

૧૯૮૪ | કોચીન
એન.સી.સી. કેમ્પ પુર્ણ કરી કોચીનથી ટ્રેઈન પકડવાની હતી. પાંચ કલાકનો સમય હતો. એટલે થોડો ઘણો નાસ્તો અને મસાલા ખરીદવાની યોજના કરી. નાસ્તો એટલે કે અંદાજે ૩૦ કલાકની મુસાફરી હતી.
મસાલા બજારમાં કાંઈ મેળ પડે એમ લાગતું ન હતું. કારણ અમારૂં હોલસેલ ખરીદી ક્વોન્ટીટી એમના માટે મજાક સમાન હતી અને બીજી સમસ્યા ભાષાની હતી.
એક દુકાનના ઓટલે બેઠા બેઠા ચર્ચા આદરી કે આ મસાલાનો મેળ નહી પડે. ત્યાં અંદરથી ગુજરાતીમાં ટહુકો આવ્યો. શેનો મેળ નહી પડે? અંદર આવો. અને પછી તો લવીંગ, તજ અને કાળા મરીનો મેળ થઈ ગયો. અત્યંત વ્યાજબી ભાવે. સાથે થેપલાંની પણ વ્યવસ્થા કરાવી આપી (વાયા ગુજરાતી સમાજ)
એ પરીવાર (બીજા અસંખ્ય છે ત્યાં) ૯૦ વરસથી કોચીન રહે છે. અને મુળ જામખંભાળીયાના. તે સમયે પણ કાઠીયાવાડી છાંટ સાથેનું શુદ્ધ ગુજરાતી બોલતા હતા.

૨૦૧૭ | જોહાનીસબર્ગ - દક્ષીણ આફ્રીકા
જોહાનીસબર્ગમાં એક રેસ્ટોરન્ટ ભારતીયની હતી. અને ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું કે માલીક ગુજરાતી છે અને સો વરસથી સેટલ્ડ છે ત્યાં. અને એમને મળ્યો ત્યારે આત્મિયતાથી ગુજરાતીમાં વાત કરી. અને ભાષા જીવંત રાખવામાં કોઈ તકલીફ નથી પડી એ પણ જણાવ્યું. મુળ ભરૂચ સાઈડના મુસ્લીમ પટેલ હતા.

૨૦૧૨ | સુરત ૨૦૧૨માં સુરતથી અમદાવાદ ટ્રેઈનમાં મુસાફરી કરી રહ્યો હતો. અને મારી સાથે ચાર પરીવાર પણ હતા. પાંચ અલગ અલગ રાષ્ટ્રીયતા ધરાવતા પરીવાર. ફ્રાન્સ, ઇન્ગલેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને નોર્વે. આ પાંચે પરીવારની એક કોમન વાત હતી. એ લોકો એમની ધાર્મીક માન્યતા અને કેટલીક વિધિઓ માટે ભારત આવ્યા હતા. એ લોકો જામનગર જઈ રહ્યા હતા. દાઉદી વહોરા હતા. ત્રણ પેઢી વિદેશમાં રહેતી હોય પણ સરળતા પુર્વક ગુજરાતીમાં વાત કરતા જોઈ એમની સાથે ચર્ચા કરી. તો એમણે જણાવ્યું કે અમારા ધાર્મીક ઉપદેશો અને સંદેશાઓ ગુજરાતીમાં જ છે. અને અમારા બાળકોને કદાચ (નોર્વે કે ફ્રાન્સ વાળાઓને) અંગ્રેજી નહી આવડતું હોય, પણ ગુજરાતી વાંચતા, લખતાં અને બોલતાં આવડે જ છે. પ્રયત્ન વગર. 

કરાંચીમાં અબ્દુલ સત્તાર એધી - એધી ફાઉન્ડેશનના સ્થાપક અને એમને પાકીસ્તાનના ફાધર ટેરેસાનું બીરૂદ મળ્યું હતું. એમ્બ્યુલન્સ, હોસ્પીટલ્સ અને અનેક પ્રકારની સખાવતથી એ પ્રખ્યાત. મુળ સૌરાષ્ટ્રના. ભાગલા બાદ એમનો પરીવાર ત્યાં સ્થાયી થયો.
એમને નિશાને-પાકિસ્તાન (દેશનો સર્વોચ્ચ નાગરીક પુરષ્કાર) એવોર્ડ મળ્યો. જનરલ ઝીયાના સમયમાં. એ એવોર્ડ સમારંભની અંદર એમણે આભાર પ્રસ્તાવ અને સમગ્ર સ્પીચ ગુજરાતીમાં આપી હતી.
અને એ એમના છોકરાંવ ને કહેતા કે જલ્દી ગુજરાતી શીખી લ્યો કારણ આપણો હિસાબ મેં એમાં જ લખ્યો છે.
અન્ય ભાષા આવડે, શીખીએ કે એમાં ભણીએ કશું જ ખોટું નથી. પણ આપણી માતૃભાષાના ભોગે તો નહી જ.

વેલ આ ઉદાહરણો એટલા માટે જણાવ્યાં કે અત્યંત શુદ્ધ ભદ્રંભદ્ર ભાષાની જરૂરીયાત નથી. વાંચતા, લખતાં અને વાતચીત માટે ભાષા જીવાડવાની જવાબદારી આપણી જ છે. મુંબઈમાં કે ગુજરાતના મોટા શહેરોમાં ગુજરાતી ભાષા ખાસ કરીને ઉચ્ચ વર્ગમાં, એમની નવી નસલમાં અને એ લોકોના એરીયામાં થોડી વિસરાતી જાય છે.