હોમ

ગુરુવાર, 30 ઑગસ્ટ, 2018

Some Unknown Facts about Indian Participation in World War I પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોના બલીદાનની કથા

પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના બલીદાન અને બહાદુરીની 
થોડી વાતો.



જ્યારે નવી દિલ્હી ફરવા જતા હોઈએ ત્યારે અનેક સ્થળોની યાદી નક્કી જ હોય અને એમાં પ્રમુખ સ્થાનોમાં એક હોય ઇન્ડીયા ગેઈટ અને અમર જવાન જ્યોતિ. કારણ દેશ માટે જાન કુરબાન કરનાર સૈનિકો આપણા હ્રદયની એકદમ નજીક જ હોય. અને ત્યાં નતમસ્તક ઉભા રહી હ્રદયથી શ્રદ્ધાંજલી અર્પીત કરતી વખતે ખરા અર્થમાં શુન્યમાં જતાં રહીએ છીએ. મને પહેલી મુલાકાત દરમ્યાન એ વિચાર આવ્યો કે આ અમર જવાન જ્યોતિ અને ઇન્ડીયા ગેઈટ એ ૧૯૪૭ બાદ પાકીસ્તાન અને ચીન સાથેના યુદ્ધમાં શહીદ થયેલ અમર જવાનોની સ્મૄતીમાં હશે. આજે પણ આ પ્રશ્ન ઘણાને થશે કે જો આ ઉપર દર્શાવેલ ભારતીય ગૌરવ સમી યુદ્ધગાથાના શહીદો ન હોય તો આમાં કોણ છે? એ તમામ પ્રથમ વિશ્વયુદ્ધમાં અજાણ્યા દુશ્મનો સામે લડેલા અમર ભારતીય જવાનો છે. 

જ્યારે એ ઇન્ડીયા ગેઈટની બાજુમાં ઉભા રહીને સાઈડ દિવાલ પર નજર પહોંચે ત્યાં સુધી જે બહાદુર અમર જવાનોના નામનો ઉલ્લેખ છે તે ૧૩૦૦૦ કરતાં વધારે સૈનિકોના નામ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહિદ થયેલ અમર જવાનો છે. 
Picture Source: Internet. 


એ શહિદોની ગાથા સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે. અને આ એ ભારતની વાત છે કે જે અખંડ ભારત હતું. ૧૯૪૭ના ભાગલા પહેલાનું. આ લડાઈ આપણી ન હતી. પણ આપણા લોકોએ એમાં દીલેરી, બહાદુરી સાથે લડીને દેશનું નામ તો રોશન કર્યું છે. આજે યુરોપમાં બેલ્જીયમ, ફ્રાન્સ અને બ્રીટનમાં ભારતીય સૈનિકોની સ્મૃતીમાં સ્મારક છે અને તેમની કબરો પણ છે. તો આ અમર બલીદાનની વાત છે.

Picture Source: Internet


૨૦૧૮માં પ્રથમ વિશ્વ યુદ્ધની પુર્ણાહુતીને સો વરસ પુર્ણ થશે. ૨૮ જુલાઇ, ૧૯૧૪ – ૧૧ નવેમ્બર, ૧૯૧૮ ચાર કરતાં વધુ વરસ ચાલ્યો હતો આ મહા સંગ્રામ. યુદ્ધ એટલે? રાજકારણ, સરહદ વધારવાની મહાત્વાકાંક્ષાઓ, સત્તા વિસ્તરણ અને સમગ્ર વિશ્વમાં આધીપત્ય જમાવવાની લાલસાનું પરીણામ. યુદ્ધસ્ય કથા રમ્ય… આવું એક સંસ્કૃત સુભાષિત આપણે અવારનવાર સાંભળીએ છીએ. પણ આ વિશ્વ યુદ્ધ ન તો રમ્ય કથા હતી અને ન તો એ ભારતીય લોકો માટે હતું. બ્રીટીશ શાસનની ધુરામાં આપણા સૈનિકો પર થોપવામાં આવ્યું હતું.
તે સમયે તો આપણે બ્રીટીશ સામ્રાજ્યની ગુલામીમાં જકડાયેલા હતા. બ્રીટીશ ઇન્ડીયન આર્મીના જવાનોને વિદેશમાં છ અલગ અલગ મોરચે રવાના કરવામાં આવ્યા હતા. સૈનિકોનો અનુભવ નોર્થ વેસ્ટર્ન ફ્રન્ટીયર (આજની અફઘાન – પાકીસ્તાન બોર્ડર) પર લડવાનો હતો. અને એમને અચાનક યુરોપ, આફ્રીકા અને મધ્ય-પુર્વના દેશોમાં કોલ ઓફ ડ્યુટીના નામ પર મોકલ્યા. અને એ ફક્ત બ્રિટિશ રાજકારણ જ હતું. પણ એ પરીણામ પ્રાપ્ત થયું એ માનવીય સંવેદનાને ઝંઝોડી નાખે એવું વેદનાના મહાસાગર સમાન હતું.
તે સમયની ભારતીય નેતાગીરીને એવું સમજાવવામાં આવ્યું હતું કે સામ્રાજ્યના રક્ષણ માટે સહયોગ અનિવાર્ય છે અને એ સહયોગના શીરપાવ રૂપે ભારતને મર્યાદીત સ્વતંત્રતા મળી શકે એવી પુરી બાંહેધરી ભરી સંભાવનાઓ પણ આપવામાં આવી હતી. અને આમ ભારતીય સૈનિકોને યુદ્ધ મોરચે મોકલવાનો રસ્તો તૈયાર થયો.

રાજા-રજવાડાના સૈન્યને પણ આમાં જોડાવાની ફરજ પડી હતી. અને એ સમયે બ્રીટીશ સેનાએ મોટા પાયે ભરતી શરૂ કરી હતી. અને એ ભરતી માટે કેટલાક પ્રદેશનો એમણે વિશેષ ટારગેટ રાખ્યા હતા. જેમ કે પંજાબ અને મધ્ય ભારત. ભરતી માટે ૧૬ કરતાં વધુ ઉંમર અને શારીરીક ખોડ ન હોય એને સૈન્યમાં ફરજીયાત જવું પડે તેવું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. સામ-દામ-દંડ-ભેદ બધી જ પ્રક્રીયા અમલમાં મુકી હતી. જો કોઈ યુવાન અનિચ્છા દર્શાવે તો એને જેઈલની સજાની બીક બતાવવામાં આવતી અને એ સજા ન જોઈએ તો સેનામાં જોડાવું પડતું. એ ઉપરાંત યુવાનોને ગામની વચ્ચે નગ્ન કરીને ટોર્ચર જેવી પરિસ્થિતિમાં મુકીને પણ સેના ભરતી કરવાની કૃર અને કુટીલ નીતી અપનાવી હતી.

દસ લાખ કરતાં વધારે ભારતીય સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં અનેક મોરચે અગ્રેસર ભુમિકા ભજવી હતી. અને ૭૪,૦૦૦ કરતાં વધુ સૈનિકો વિરગતી પામ્યા હતા. અંદાજે દોઢ લાખ જેટલા સૈનિકો ગંભીર રીતે ઘવાયા હતા. બ્રીટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડના સૈનિકો સાથે મળીને જર્મની સામે યુદ્ધમાં લડ્યા હતા.

જર્મની ફ્રાન્સને ઘમરોળી રહ્યું હતું અને બ્રીટીશ સેનાને ભારે ખુવારી ભોગવવી પડી હતી. અને એ સમયે ભારતથી ગયેલા સૈનિકોને જર્મન મોરચે ઉભા કરી દીધા હતા. જર્મન સેના અને એના સેનાપતી એવી દ્રઢ માન્યતા ધરાવતા હતા કે આ ભારતીય સૈનિકો આપણને રોકવા માટે અસમર્થ જ છે. અને એમની દલીલમાં થોડું વજન પણ હતું. કારણ? તે સમયની આધુનિક યુદ્ધપ્રણાલી અને શસ્ત્રો વડે આપણા સૈનિકો તાલીમ પ્રાપ્ત ન હતા. યુરોપની ભુગોળ અને પરિસ્થિતિથી વાકેફ પણ ન હતા. એ ઉપરાંત સહુથી મોટી વિટંબણા એ હતી કે તે સમયે યુરોપનો ખતરનાક શિયાળો  માથે ડોકાતો હતો. ઉનાળામાં પહેરવાનો યુનિફોર્મ ધારણ કરેલ આપણા સૈનિકો યુરોપની હાડ થીજાવતી ઠંડીમાં જર્મન સેનાની સન્મુખ તૈનાત હતા. આટલી તકલીફ ઓછી હતી ત્યાં બીજી એક સમસ્યા મોઢું ફાડીને ઉભી હતી. અને એ ટ્રેન્ચ વોર. ટ્રેન્ચ એટલે માટીમાં એક માણસ અવરજવર કરી શકે એટલી ખાઇ. એ ટ્રેન્ચમાં રેતી ભરેલી બેગ્સની આડશમાંથી સામે રહેલા દુશ્મન પર નજર રાખવી અને સતત હુમલો કરવો અને હુમલો ખાળતો રહેવો એવી યુદ્ધ પરિસ્થિતિનો આપણા સૈનિકોને અભ્યાસ જ ન હતો. 


એ યુદ્ધ દરમ્યાન અનેક સૈનિકોએ ઘરે પત્રો લખીને તે પરિસ્થિતિને અદભુત રીતે વર્ણવી હતી. ટ્રેન્ચમાં વરસાદી પાણી ભરાયેલા હોય, સખત ઠંડીમાં અને ગરમ કપડાં વગર બાર કલાકથી પંદર કલાક ઉભા રહીને લડત આપવાની. આમાં અનેક સૈનિકોને ઠંડીનો આ પ્રથમ અનુભવ હતો. પાણીમાં ઉભા રહીને લડાઈ કરવાને કારણે પગમાં સુજન આવી જતી અને અનેક સૈનિકોના પગમાં ફ્રોસ્ટબાઈટ (પગમાં રક્ત સંચારણ બંધ થઈ જવાને કારણે થતી સમસ્યા) સમસ્યાઓ ઉભી થવા લાગી હતી. મહીનાઓ સુધી એક જ યુનિફોર્મ પહેરીને બુટ ભીના હોવા છત્તાં પહેરેલા રાખીને સૈનિકો લડ્યા. અને જડબાતોડ લડ્યા. જર્મન સેનાના દાંત ખાટા કરી નાખ્યા.


ભારતિય સૈનિકોની નિષ્ઠા, શિસ્ત અને ફરજપાલન બાબતે કોઈ બેમત ન હતો. પણ પરિસ્થિતિ બદ થી બદતર થવાની શરૂઆત હતી. શીયાળા ઉપરાંત. 


જર્મન સેનાની જ્યારે ફ્રાન્સ પરની ચડાઈ અટકતી નજરે ચડી ત્યારે એમણે અન્ય શસ્ત્રોનો ઉપયોગ શરૂ કર્યો. અને એના માટે તૈયાર ન હતા. જેમ કે કેમીકલ્સ, મશીનગન, તોપ અને હવાઈ હુમલાઓ. એક સૈનિકે ઘરે પત્ર લખ્યો હતો એમાં આનો સચોટ ઉલ્લેખ કર્યો હતો કે આકાશમાંથી પ્રતી ક્ષણે મોતનો વરસાદ થાય છે. ટ્રેન્ચમાંથી જો સહેજ માથું બહાર દેખાય તો ગોળીઓનો વરસાદ વરસે છે. દુર બેઠેલા દુશ્મનો તોપના ગોળા વરસાવે છે અને અધુરામાં પુરું આકાશમાંથી આગના ગોળાઓ વરસે છે.


મસ્ટાર્ડ ગેસ અને ક્લોરીન ગેસનો ઉપયોગ પણ તે સમયે બેફામ થયો હતો. આમ તો જીનીવા કન્વેન્શન હેઠ્ળ કેમીકલ્સનો ઉપયોગ વર્જીત હતો. પણ જ્યારે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે તો બધું જ બરાબર હોય એ ન્યાયે ઝેરી ગેસનો ઉપયોગ થતો હતો. આપણા સૈનિકો પાસે ગેસથી બચવા માટે માસ્ક પણ ન હતા અને એની ખરાબ અસર સામે કેમ બચવું એના ઉપાય પણ ન હતા. બ્રીટીશ અધીકારીઓ જણાવતા કે તમારી પાઘડીને મુત્ર વડે ભીંજવતા રહો અને એને મોઢા ઉપર ઢાંકીને પહેરતા રહો તો આ ક્લોરીન ગેસની અસરમાંથી સંભવીત ઓછું નુક્શાન થશે. ક્લોરીન ગેસની અસર ઘણી ઘાતક રહી. ફેફ્સાં બળતા હોય તેવી પીડા સાથે અનેક સૈનિકો રણભૂમિ પર જ દમ તોડવા લાગ્યા હતા. 


શારીરીક વિષમ પરિસ્થિતિ તો હતી જ સાથે માનસીક રીતે પણ અનેક ઘા પડવા લાગ્યા હતા. સાથીઓ અને મિત્રોને નજર સમક્ષ તરફડતા અને મરતા જોવા એ ગજબ પરિસ્થિતિમાં મનોબળને ટકાવવું એ અન્ય સમસ્યા હતી.



શારીરીક કે માનસીક શોષણ ઉપરાંત આર્થીક શોષણ પણ ભયંકર થયું હતું. ભારતીય સૈનિકોને પગાર ખુબ જ ઓછો મળતો. એની સામે બ્રીટીશ, ઓસ્ટ્રેલીયન અને ન્યુઝિલેન્ડના સૈનિકોને સારી સગવડો તેમજ તે સમયના પ્રમાણમાં ખુબ સારો પગાર મળતો. એમની બેરેક્સ પણ અલગ રહેતી. જ્યારે ભારતીય સૈનિકો ટેન્ટમાં રહેતા અને જમીન પર એકાંતરે છાણ અને માટી વડે લીંપણ કરીને સુવા માટે સગવડો ખુદ તૈયાર કરતા.


સમસ્યાઓ અનંત હતી. કારણ કે મોરચાઓ ખુલતા જતા હતા. અને એ યુરોપને મોરચેથી અનેક સૈનિકોને મધ્ય પુર્વમાં (આજના ઇરાક અને સીરીયા) મોરચે તૈનાત કરવામાં આવ્યા. હવે યુરોપની ઠંડી અને ભેજવાળી પરિસ્થિતિમાંથી અચાનક રણ પ્રદેશમાં ખસેડાયા. ઓટોમન સામ્રાજ્ય (આજનું તુર્કસ્તાન) સૈન્ય સામે લડવા તૈનાત થયા હતા. અનેક સૈનિકો યુદ્ધ કેદી થયા. દિવસના અઢી બીસ્કીટ અને અડધો લીટર પાણી પર મહિનાઓ જીવન જીવવાનો જંગ લડતા રહ્યા. અને આવી પરિસ્થિતિમાં સતત યુદ્ધ કેદીઓને કેમ્પ બદલતા રહેવાને કારણે સેંકડો માઈલ ચાલતા રહેવું પડ્યું હતું. ચાર હજાર યુદ્ધ કેદીઓમાંથી અંદાજે આઠસો જેટલા જ જીવીત રહ્યા હતા.

શું પ્રાપ્ત થયું? અસંખ્ય બલીદાન, અનેક શુરવિરતાના પ્રમાણ, અસંખ્ય મૃત્યુ, રક્તપાત અને અસંખ્ય ઘવાયેલા સૈનિકો. અનેક પરીવારો નોધારા થયા. આખી એક પેઢી સમાપ્ત થઈ. સામાજીક અને આર્થીક રીતે પણ ભયંકર પરીણામો આવ્યા. 


કથા વિષમ છે. કથા કોઈના માટે આપેલ બલીદાનની છે. જે ઇતિહાસને ભુલે છે તેને ઇતિહાસ ભુલી જાય છે. આજે એ તમામ શુરવિરોને આપણે જાણતા નથી. એમના ત્યાગ, બલીદાન, ભોગવેલી પીડાઓ અને શૌર્યથી અજાણ છીએ.


પ્રથમ વિશ્વ યુદ્ધની શતાબ્દી પર હવે જ્યારે આપણે ઇન્ડીયા ગેઈટ જોવા જઈએ કે એનો ફોટો પણ જોઈશું ત્યારે એ લાખો અનામી સૈનિકોને હ્રદયપુર્વક શ્રદ્ધાંજલી આપવાનું પવિત્ર કાર્ય તો અવશ્ય કરશું.

જય હિંદ.

આ આર્ટીકલ સુરતથી પ્રકાશીત થતાં સુપ્રસિદ્ધ અખબાર ગુજરાત ગાર્ડીયનમાં તા. ૮ ઓગષ્ટ, ૨૦૧૮ બુધવારની પુર્તીમાં પ્રકાશીત થયો હતો.