હોમ

રવિવાર, 15 જાન્યુઆરી, 2017

સંવેદના - એક નાના માણસનું મોટું કામ.

સંવેદના :::
પુસ્તક વિક્રેતાને ત્યાં ખુબ ભીડમાં એક થીગડાં વાળું શર્ટ અને ચડ્ડી પહેરેલો એક છોકરો ગાઈડ અને ટેક્સ્ટ બુક્સની કિંમત જોઈ અચકાતો હતો. અને ભીડમાં દુકાનદાર ચીડથી બોલ્યો કે ભાઇ જો લેવી જ હોય તો ઝટ કર. પાછળ ટોળું છે, બધાનો સમય ખોટી ન કર. કદાચ બાવીસ રૂપીયાના પુસ્તકો હતા.
શહેરના પૈસાદાર વર્ગના બે ત્રણ વડીલો બાળકો સાથે આવેલા હતા અને એમણે લગભગ ઉપહાસની ભાષામાં કહ્યું કે એ છોકરા જે પોસાય તે જ લેવાય... અને અટ્ટહાસ્ય પણ ફટકારી દીધું.
વલસાડના એક બુક સ્ટોરમાં ઉઘડતી શાળાએ હું પુસ્તકો લેવા ગયેલો હતો. હું ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો એ સમયે એ ટોળામાં ઉભો રહી હું પણ અસહાય અવસ્થામાં આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. ૧૯૭૭-૭૮ની આ વાત છે.
એ ભીડમાં એક મજુર જેવા કપડાં પહેરેલા સજ્જન આગળ આવ્યા અને એ બાળકને પુછ્યું કે કેટલા રૂપીયા જોહે તારે?
પેલો કહે કે મારી પાસે ૧૪ રૂપીયા છે હ્જુ આઠ ઘટે છે, કોઈ વાંધો ની, કાલે લૈ લેવા.
તો એ મજુરના પોશાકવાળા સજ્જને એ બાળકને વીસની નોટ આપી કહ્યું કે અન્ય કોઈ ચોપડી જોઈતી હોય તો તે બી લૈ લેજે. અને ઘટે તો કેજે મેં પછાડી જ ઉભેલો છે.
એ બાળકે આનાકાની બાદ રૂપીયા સ્વીકાર્યા અને આંખમાં આંસુ સાથે પુસ્તકો લઈ આભારવશ સ્મીત આપી રવાના થયો.
એ મજુર જેવા સજ્જન કહે કે ભણવું તો મારે બી અતું, પણ મને કોઈએ મદદ ની કરેલી. મારી જેવું ની થાય એટલે આ પોયરાને આય્પા. એમાં હું. અને એ પોતાની પુત્રીના પુસ્તકો લઈ રવાના થઈ ગયો.
પૈસાપાત્ર સજ્જનોના ચહેરા જોવા જેવા હતા. બાય ધ વે એ મજુર જેવા દેખાતા સજ્જન વલસાડમાં સ્કુલની બહાર સીંગ-ચણાની લારી ચલાવતા એ પછી ખબર પડેલી.

#અનુભવોક્તિ #આ_તો_એક_વાત  #Re_Post