હોમ

મંગળવાર, 10 નવેમ્બર, 2015

ગુજરાતની હાસ્ય ધારા - ગુજરાતી પુસ્તક રીવ્યુ

ઘરની લાયબ્રેરીમાં વસાવવા જેવું અને વાંચવા જેવું પુસ્તક.

ગુજરાતની હાસ્ય ધારા....

ક્યારેય એવી કલ્પના કરી છે કે કવિશ્રી ઉમાશંકર જોશી હાસ્ય લેખ લખે? ગુજરાતી ભાષામાં અમર દરીયાઈ સાહસ કથાના સર્જક શ્રી ગુણવંતરાય આચાર્ય હાસ્ય લેખ લખે?

સામાન્ય રીતે મહાન ગુજરાતી હાસ્ય લેખકોની યાદી કરીએ તો શ્રી વિનોદ ભટ્ટ, શ્રી તારક મહેતા શ્રી જ્યોતિન્દ્ર દવે, શ્રી બકુલ ત્રીપાઠી, ભદ્રંભદ્રના સર્જક શ્રી રમણભાઇ નિલકંઠ યાદ આવે. અને નવી પેઢીમાં શ્રી અશોક દવે, નિરંજન ત્રિવેદી, રતીલાલ બોરીસાગર ઉપરાંત અન્ય લોકો યાદ આવે. આમના કલેક્શન ઉપરાંત પ્રયોગાત્મક રીતે હાસ્ય લેખ અને એ પણ ઉમદા કક્ષાના. એવા અનેક લેખનું કલેક્શન એક જ પુસ્તક રૂપે મળે છે.

શ્રી ઉમાશંકર જોશીએ તો મંગ્લાષ્ટક લીમીટેડ નામનો સુંદર લેખ લખ્યો છે. વૈશાખ મહીને લગ્નગાળો ફાટી નીકળે અને એ સમયે કેવી બીઝનેસ ઓપોર્ટ્યુનીટી બધાને મળે તો કવિઓ કેમ રહી જાય? મંગલાષ્ટક લખવાની ઉજ્જવળ તક દેખાણી એમને.

અને જબરદસ્ત લેખ એમણે લખ્યો છે. એવી જ રીતે ગુણવંતરાય આચાર્યએ સૌરાષ્ટ્રના રાજાઓને ધ્યાનમાં રાખીને એક સુંદર વાર્તા લખી છે.

આ વાર્તા મેં બહુ વરસો પહેલાં વાંચેલી હતી યાદગાર છે. અને જ્યારે યાદ કરૂં છું ત્યારે બસ આનંદ આવે છે. આ તેનો સારાંશ છે. આવા અનેક સુંદર લેખોનું જબરદસ્ત કલેક્શન છે.

“હોઊં તો હોઊં પણ ખરો”

આઝાદીના વરસો પહેલાંની વાત છે. જ્યારે સૌરાષ્ટ્ર અનેક નાના રજવાડામાં વહેંચાયેલ હતું અને ચંદ્રવંશી, સુર્યવંશી રાજપૂતો અને નવાબી શાસન હતું. આવા જ એક રાજ્યની વાત છે. ત્યાં રાજા તો પરોપકારી હતો અને નીજાનંદમાં મસ્ત અને વ્યસ્ત રહેતો. પણ રોજ-બરોજનું કાર્ય એનો કારભારી સંભાળતો. કારભારી એટલે બધી વાતે પુરો. રાજાના નામને વટાવીને લોકો પર ભારે હાથે રાજ કરતો અને ખુબ મજા લેતો. લોકો એને જાહેરમાં તો રાજાની બીક કે ભયના કારણે કંઇજ કહી ન શકતા પણ પાછળ ખુબ જ ગાળો આપતા અને પ્રયત્ન કરતા કે કેમ કરીને પણ રાજાને તો જણાવવું જ.
પણ કારભારી એનું નામ. મોકો આપે જ નહી. લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા. કોઇએ એક વખત હિંમત કરીને રાજાને ફરીયાદ કરી. રાજા ત્યારે રાજાપાઠમાં ન હતા અને શાંતીથી સાંભળીને એકદમ ઉક્ળી ઉઠ્યા. શું વાત છે, મારો કારભારી મારા નામ ઉપર આવો જુલમ? ન ચાલે. અન્ય લોકોને પણ સાંભળ્યા. સુર એ જ હતો. રાજા એ અતીશય ગુસ્સે થઈને કારભારીને બોલાવી અંતીમ સજા જાહેર કરી જ દીધી. ૨૪ કલાકમાં દેશ-નીકાલ. અને જો ૨૪ કલાક પછી મોઢું દેખાડ્યું તો માથું ધડ પર નહી રહે.
લોકો છાને ખુણે ખુબ ખુશ થયા. પણ ખુશી કોઇએ જાહેર કરી નહી. કારણ કે લોકો એ સજાનો અમલ જોવા માંગતા હતા.
બીજા દિવસે ઢળતી બપોર હતી, બજાર જ્યારે લોકોથી છલકાતું હતું તે વખતે એ કારભારી બળદ ગાડામાં પરીવાર અને થોડી ઘણી ઘરવખરી લઈને નીકળ્યો. બધાને છેલ્લા રામ-રામ કરતો જાય અને કહેતો જાય કે જેવા નસીબ. હવે તો અંજળ-પાણી ખુટ્યા. બસ નસીબ લઈ જાય ત્યાં જવાનું. બોલ્યું ચાલ્યું માફ કરજો અને કોઇને પણ દુ:ખ થયું હોય તો પણ માફ કરજો.
લોકોએ હાશકારો અનુભવ્યો. કે ચાલો પીડા ગઈ.
ત્રીજા દિવસે વહેલી સવારે સુર્યોદય સમયે અચાનક કારભારી હાથમાં પુજાની થાળી, નાળીયેર, હાર-તોરા લઈ રાજાના મહેલની બહાર ઉભો હતો અને દ્વારપાળને કહે જલ્દી મહારાજાને બોલાવો. હમણાને હમણા.
દ્વારપાળ કહે કે હે ભાઇ, શું કામ મને બ્રહ્મ હત્યાનું પાપ આપે છે? મહારાજા તમને જોતાં વેંત મારી નાખશે. સજા તો ખબર જ છે ને?
કારભારી કહે કે મારે એ જ જોઇએ છે. જલ્દીથી મહારાજાને બોલાવો.
હિંમત કરીને મહારાજાને ઉઠાડ્યા. અને ખબર પડી તો એ તો તલવાર મ્યાનમાંથી કાઢી, લાલ આંખ અને મોઢા પર ગુસ્સો લઈ, પગ પછાડતા દરવાજા પાસે આવી ગયા. અને કહ્યું કે તારૂં મોત તને અહીં લઈ આવ્યું છે. તું તો મરવાનો થયો છે.
કારભારીએ તો ત્યાં મહારાજાના પગ પાસે નાળીયેર ફોડ્યું, હાર-તોરા કર્યા, અને માથું ઝુકાવી કહે કે હે મહારાજ હવે બસ આપની તલવાર અને મારૂ માથું. બસ ચલાવો તલવાર.
હવે મહારાજ મુંઝાઇ ગયા. કે આ બધું શું છે? કારભારી કહે બસ મહારાજ તલવાર ચલાવો. મહારાજ કહે વાત તો કર આ બધું શું છે એ તો કહે.
કારભારી કહે, મહારાજ આપે દેશનીકાલ કર્યા પછી અમે કચ્છના રણમાં ઉતરી ગયા. અમારી પાસે ખાવા-પીવાનું કાંઇ જ નહી. બાળકો તરસે ટળવળે અને મારી ઘરવાળી પણ રડે. મારાથી બોલાઇ ગયું કે હે દ્વારકાધીશ, પાપ મેં કર્યા છે અને સજા મારા પત્ની-બાળકોને શું કામ? મારી આંખમાં પણ આંસુ આવી ગયા.
ત્યાં તો આકાશમાંથી તેજ પુંજ જમીન પર આવ્યું. અને ચારભુજા વાળા દ્વારકાધીશ સદેહે હાજર. મારા પત્ની-બાળકોએ પાણી પીધું, અન્ન લીધું. પણ મેં કાંઇજ ન લીધું.
મહારાજ કહે કેમ?
કારભારી કહે, મારૂં ધ્યાન તો ફક્ત દ્વારકાધીશના ચહેરા પર હતું. એ મનોહારી ચહેરો. એ જ શાંતી, એ જ તેજ એજ આભા. મહારાજ આપ જ હતા.
પછી વિચાર આવ્યો કે દ્વારકાધીશનો અવતાર તો આપણા ગામમાં બેઠો છે અને તું રણમાં રઝળીને મરીશ? બસ મહારાજ આપના હાથેથી મરીશતો મોક્ષ થશે. બસ ચલાવો તલવાર.
મહારાજ કહે.. બસ. આ અવતાર વાળી વાત મુક અને કામે ચડી જા.
પણ કોઇને કહેતો નહી, આ અવતાર વાળી વાત.
વધુ લોકોને કહેવામાં માલ નહી, શું સમજ્યો.

અને હા... આ અવતાર.....


હોંઉ તો હોંઉ પણ ખરો.