હોમ

શનિવાર, 30 સપ્ટેમ્બર, 2017

સંવેદના અને ખુમારી

આને લઈને ચક્કર મારવા નીકળી?

બે અઢી વરસની છોકરીને આંગળી પકડીને જતી એની મોટી બેનને કોઈએ પુછ્યું.

જવાબ: હા એ કંટાળતી હતી અને છોકરાંવ થોડું કાંઈ સમજે?

વેલ મોટી બેનનો ઠાવકો જવાબ પણ આવ્યો.

મોટી બેન ઉંમર આશરે પાંચ કે છ વરસની.

મોટીબેન ખરા અર્થમાં એક પરિપક્વ, જવાબદારી સંભાળી એના પરીવારને સંપૂર્ણ રીતે મદદ કરે છે.
આ ફોટો ફક્ત સીમ્બોલીક છે. અને ઇન્ટરનેટ પરથી લીધેલો છે. 

સોસાયટીમાં રહેતા લોકોના કપડા ઈસ્ત્રી કરવાનું કામ એ બાળકોના માતૃશ્રી કરે છે. દોઢ વરસ પહેલાં એક અકસ્માત થયો અને એ બહેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ એની મોટી પુત્રી સવારે અને સાંજે ઘરે ઘરે ફરી કપડાંની ડીલીવર કરે કલેક્શન કરે અને બાળ સહજ આનંદ ઉલ્લાસથી રમતી હોય.




કોઈ બોજની લાગણીઓ નહી, કામ કરે છે એનું કોઈ ટેન્શન નહી. કોઈ સમક્ષ ખોટી ફેવર માટે માંગણીઓ નહી. નરી ખુમારી સાથે એ ત્રણ જણાનો પરીવાર માથું ઉંચુ રાખી જીવે છે. હવે તો એક સ્કુટી પણ વસાવી લીધું છે.
એ પરીવાર મારી સોસાયટીમાં જ કામ કરે છે. એમની પ્રાઈવસી માટે ફોટોઝ નથી મુકતો.
હકારાત્મક અભિગમ સાથે જીવવું સરળ છે. અનેક ઉદાહરણો મળી શકે. ફકત નજર કેળવવાની જરૂર છે.

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2017

ખુદ્દારી અને ખુમારી... સલામ છે એ સજ્જનને.

ખુમારી ::

ગયા અઠવાડીયાની આ વાત છે. રાત્રે વરસાદ હતો અને પાલડીથી નવરંગપુરા માટે રીક્ષામાં બેઠો.

મીટર ઝીરો કરવા માટે આગળ નાની લાઈટ કરી રીક્ષા ચાલકે ખાત્રી કરાવી કે જોઇ લેજો. મીટર ઝીરો કરેલ છે.

એ લાઈટના થોડા પ્રકાશમાં એ રીક્ષા ચાલકના હાથ ઉપર ગાંઠ જેવા બે ત્રણ ગઠ્ઠા (હથેળીથી કોણી વચ્ચે) દેખાણા.

ફોટો સીમ્બોલીક છે. 
સાહજીક રીતે પુછ્યું - આ કોઈ તકલીફ છે કે કોઇ ઇજા?

રીક્ષા ચાલક: મારી કીડની છેલ્લા બે-ત્રણ વરસથી ફેઈલ છે. અને હવે અઠવાડીયે બે વખત ડાયાલીસીસ કરાવું છું. અને એના કારણે વેઈન આ રીતે દેખાય છે. આજે જ રાત્રે દસ વાગ્યે સીવીલમાં મારો ટર્ન છે. એટલે સવારના ૩ સુધી ઉજાગરો રહેશે.

હું: એક ડાયાલીસીસનો કેટલો ખર્ચ આવે છે?

એ: સરકારી મદદ છે. કોઇ ખર્ચ તો નથી, પણ ત્યાર બાદ થોડી દવાનો ખર્ચ આવે છે જે આ રીક્ષાનો વ્યવસાય પુરો પાડે છે.

હું: કોઇ મદદ કરી શકું તમને દવા માટે?

એ: આભાર. મેં ત્રીસ વરસ કાપડ મીલમાં નોકરી કરેલ છે. મીલ બંધ થઈ, બેકારી આવી અને ત્યાર બાદ શરમ મુકી આ રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું. પંદર વરસથી ચલાવું છું અને શરીર ચાલે ત્યાં સુધી રીક્ષા ચલાવીશ. પછી હરી ઇચ્છા. મદદ મારા પુત્ર પાસેથી પણ નથી માંગતો.

અને મીટર મુજબ જ ભાડું લઈ એ રવાના થયો. સલામ એના સ્પીરીટને.

#આ_તો_એક_વાત