હોમ

શનિવાર, 25 જાન્યુઆરી, 2014

ટ્રાફિક સેન્સ અને આપણે બધા...

ગુજરાતના કોઈ એક શહેરના લોકોની ટ્રાફીકનું અવલોકન ::::
(નમ્ર સુચના: કોઇ નગરજને બંધબેસતી પાઘડી, ટોપી, ઓઢણી, ઇંઢોણી, ટોપા, હેલ્મેટ ઉપરાંત માથા ઉપર જે કાંઇ જ પહેરી શકાતું હોય તે પણ પહેરવું નહી)

- જો કોઇ સતત ડાબી બાજુ કે જમણી બાજુ જોતો જોતો ટુ-વ્હીલર ચલાવતો હોય તો માની જ લેવાનું કે એ ભાઇ/બહેન એ દીશામાં માન ભેર (કોઇ ને જાણ કર્યા વગર) વળાંક લેશે જ.

- ટુ વ્હીલર ચાલક ભાઇ જ્યારે ડાબી તરફ સહેજ ઝુકીને ચલાવે તો સમજવાનું કે એ પાન/મસાલા જેવા દ્ર્વ્યોના ભારી માત્રામાં જાહેર વીસર્જન કરશે. (એ જમણી તરફ પણ ઝુકી શકે - કોઇ જ મોટાઇ નહી)

- રોડ ઉપર ડીવાઇડર એ સ્ટીપલ ચેઇઝનું પ્રેક્ટીસ માટે આદર્શ સ્થાન છે. માટે કોઇ પણ રોડ ઉપર ક્યાંય પણ રોડ ડીવાઇડર ઉપરથી માણસો અચાનક ટપકી શકે છે. (તમારે ધ્યાનથી ચલાવવું, એ તો આઝાદ દેશના મહા-આઝાદ નાગરીક છે અને અલભ્ય પ્રાણી હોવાને કારણે એમની સુરક્ષા એ વાહન ચાલકની નૈતીક ફરજ છે)

- કોઇ પણ ફોર વ્હીલરનું ડ્રાઇવર સાઈડનું બારણું જો થોડું ખુલે (વાહન ચાલુ જ હોય) તો પણ એ સજ્જન રસ્તા ઉપર થુક વિસર્જનની ક્રીયા કરશે. એમને ખલેલ ન પહોંચે તે અવશ્ય ધ્યાન રાખવું.

- બહેનો અને સ્કુટી (જાણે રબને બનાદી જોડી) લટકતા પગ, અને સ્કુટી (અહીં સ્કુટી એટલે એક્ટીવા, પ્લેઝર, વેગો, એસેસ કે કોઇ પણ) ચલાવવું એ કઠીન કામ છે. એમાં બ્રેક મારવી એ વધુ કઠીન કામ છે. સીગ્નલ આપવું એટલે શું? એ પ્રશ્ન અસ્થાને છે, એમના ભાઇઓ કૌરવ કરતાં પણ વધારે હોય છે. એટલે આપ જો એમના રસ્તામાં વચ્ચે આવશો, અને આપની કોઇ ભુલ (બહેનો જીવનમાં ક્યારેય કોઇ જ ભુલ ન કરે - આવું દરેક પથ્થર ઉપર શીલાલેખ હોય છે) તો એ જ કૌરવો આપને શારીરીક પીડા આપશે જ. એમનો હક્ક છે. કેટલાયના સંસાર આમાંથી બનેલા છે.

- રોડ ડીવાઇડર તો રસ્તા વચ્ચે જગ્યા રોકવા જ સર્જાણા છે. રસ્તાની કોઇ પણ બાજુ વાહન ચલાવવા એ અબાધીત હક્ક છે. અને એને ચેલેન્જ કરનાર આ જગતમાં હ્જજી સુધી કોઇ જ સર્જાણું નથી. તમે કે હું પણ નહી. જેને મનમાં આવે એમ ચલાવે.

- આવું લખવાથી જો સમાજમાં લોકો સુધરશે તો એ પણ મારો ગુજરાતની સુંદર ટ્રાફીક સેન્સ જેવો એક મોટો કોઈ જોક જ છે.

#આ_તો_એક_વાત #વ્યર્થ_પ્રયાસ

શનિવાર, 18 જાન્યુઆરી, 2014

લીફ્ટ મુસાફરી ઓબ્ઝર્વેશન - Lift Manners

લીફ્ટ મુસાફરી ઓબ્ઝર્વેશન

લીફ્ટ - વર્ટીકલ ટ્રાન્સ્પોર્ટ વેહીકલ..... ૪ x ૪ની ઓરડી અને એમાં મુસાફરી કરતા લોકો કેવું કેવું વર્તન કરે?

- વારંવાર બટન દબાવવાથી લીફ્ટ સીધી એમના જ ચરણોમાં આવશે.

- અંદર પ્રવેશવા માટે એવા તો તલપાપડ કે જેને ઉતરવું હોય તેને બહાર પણ ના નીકળવા દે. જાણે ઉતરવા વાળો લીફ્ટ લઈને લોંગ ડ્રાઈવ જવાનો હોય.

- જો કોઇ સ્ત્રી પાત્ર લીફ્ટમાં આવશે એટલે બધા ડાહી ડાહી વાતો અને વર્તન કરશે. શ્વાસ ઉંડો લઈ પેટ અંદર કરી નાખશે.

- લીફ્ટમાં મોબાઈલ કવરેજ નહી આવે તો દુનિયા લુંટાઈ ગઈ એમ વર્તન કરશે. અને મોટા મોટા અવાજે... અભીમેં લીફ્ટમેં હું. બાર નીકલકે ફોન કરતા હું એમ બરાડશે.

- જે માળ ઉપર જવું હોય, અન્ય કોઇએ બટન દબાવ્યું હોય તો પણ એ ફરી એક વખત બટન દાબા દાબ કરતો રહેશે.

- અમુક લીફ્ટમાં એવો તો ગંભીર મુદ્રામાં આવી જાય જાણે કોઈના બેસણામાં બેઠા હોય.

- લીફ્ટના પંખાના પાંખીયા ગણવા માંડે અને વારંવાર ગણ્યા જ કરે એમ નજર ઉપર ચોંટાડી ઉભો રહે.

- અરીસામાં ભવાં ઉંચા કરી ચહેરાઓ બનાવે.

- ઘણા લીફ્ટમાં ચડી બેસે, લીફ્ટ ખાલી જ હોય અને અન્ય કોઇને આવતા જોવે તો ઉતાવળે દરવાજા બંધ કરી નાખે. અને એવો આનંદ વ્યકત કરે જાણે બાજુવાળા બાબ્બભાયનો હેપી બર્થડે.

- અમુકને લીફ્ટ એટલે જાણે સીટી વગાડવા કે ગીતો ગણગણવાની મોકળાશ. કુમાર સાનુ પંડમાં આવી જાય.

- લીફ્ટમેનના ટેબલ ઉપર કબજો જમાવી દે. જાણે રાત્રી મુકામ નક્કી હોય.

- જે બીલ્ડીંગમાં બેઝમેન્ટ તરફ જતા હોય અને ગ્રાઉન્ડફ્લોર ઉપર લીફ્ટ ઉભે એટલે નીચે જવા વાળો તો સલવાણો. ગ્રાઉન્ડફ્લોર ઉપરથી ટોળું હલ્લો બોલાવી દેશે.

- જે બીલ્ડીંગની અગાસી કે બેઝમેન્ટમાં વોચમેન રહેતો હોય તે સંજોગમાં એ પરીવાર જ લીફ્ટનો કબજો વધુ જમાવે. એને બાદ કરતાં સમય મળે તો જ અન્ય લોકોને લીફ્ટ મળશે.

- અને હા.. જો આ કેની જી કે યાનીનું સંગીત ન હોત તો લીફ્ટના મ્યુઝીક ક્ષેત્રે તો શું નું શું થઈ ગયું હોત.

એકદમ અલ્ટીમેટ

- લીફ્ટના બટન્સની લાઈટ બંધ હોય, લીફ્ટની પણ લાઈટ બંધ હોય. આઉટ ઓફ ઓર્ડરનું બોર્ડ માર્યું હોય તો છત્તાં પણ બટન દબાવતા રહે અને પુછે કે બંધ લાગે છે કાં??

#આ_તો_એક_વાત

મંગળવાર, 14 જાન્યુઆરી, 2014

બીજાના સમયને પણ મહત્વ આપો. તમારા સમયને લોકો મહત્વ આપશે જ.

સંબંધ પાલન કે સમય પાલન કે પછી કશું જ નહી?

વરસો પહેલાં જ્યારે હું મુંબઈ અભ્યાસ કરતો હતો તે વખતે મારા કેટલાક સગા ત્યાં ફરવા માટે આવેલ હતા. તેમનો રાત્રી મુકામ સબર્બમાં અન્ય સંબંધીને ત્યાં હતો.

શનીવારે સાંજે મારી સાથે ફોન ઉપર કાર્યક્ર્મ ’ફાઇનલ’ કર્યો. રવીવાર આખો ચર્ચગેટ, મ્યુઝીયમ અને મરીન ડ્રાઇવ ફરશું. એ પણ નક્કી કર્યું કે રવીવારે સવારે ૯.૦૦ કલાકે ચર્ચગેટ સ્ટેશન ઉપર વ્હીલરના બુક સ્ટોલ પાસે મળવું.

માંડ મળતો રવીવાર - ૭ વાગે ઉઠીને સવારે ૯.૦૦ કલાકે વ્હીલર પાસે ઉભો રહ્યો અને લગભગ ૧૦.૩૦ કલાક સુધી સંઘના દર્શન જ નહી, અને પાછું વ્હીલર છોડીને જવાય પણ કેમ? એ લોકો મુંબઈના અજાણ્યા હતા.

અને છત્તાં હિંમત કરી PCOથી સબર્બમાં જ્યાં રહેલા હતા ત્યાં ફોન કર્યો તો કહે, રવીવારે થોડું આળસ આવી ગયું અને નીરાંતે ૯.૦૦ વાગે તો ઉઠયાં. અને પછી થયું કે ચાલોને બોરીવલી નેશનલ પાર્ક જઈ આવીએ. અને ખાસ શબ્દો હતા કે આપણે ક્યાં ’સાવ ફાઇનલ’ કર્યું હતું?

બધા વડીલો, કોને કહેવું? શું એક ફોન ન કરી શકે? કે પછી એક વિધ્યાર્થી તરીકે તેમના મતે મારા સમયની શું કોઇ મોટી કિંમત હોય? કે પછી બે-જવાબદારી? હજી મને જવાબ નથી મળ્યો.

આપણે હજી પણ આવા જ છીએ. LOL

#આ_તો_એક_વાત