હોમ

શનિવાર, 18 જાન્યુઆરી, 2014

લીફ્ટ મુસાફરી ઓબ્ઝર્વેશન - Lift Manners

લીફ્ટ મુસાફરી ઓબ્ઝર્વેશન

લીફ્ટ - વર્ટીકલ ટ્રાન્સ્પોર્ટ વેહીકલ..... ૪ x ૪ની ઓરડી અને એમાં મુસાફરી કરતા લોકો કેવું કેવું વર્તન કરે?

- વારંવાર બટન દબાવવાથી લીફ્ટ સીધી એમના જ ચરણોમાં આવશે.

- અંદર પ્રવેશવા માટે એવા તો તલપાપડ કે જેને ઉતરવું હોય તેને બહાર પણ ના નીકળવા દે. જાણે ઉતરવા વાળો લીફ્ટ લઈને લોંગ ડ્રાઈવ જવાનો હોય.

- જો કોઇ સ્ત્રી પાત્ર લીફ્ટમાં આવશે એટલે બધા ડાહી ડાહી વાતો અને વર્તન કરશે. શ્વાસ ઉંડો લઈ પેટ અંદર કરી નાખશે.

- લીફ્ટમાં મોબાઈલ કવરેજ નહી આવે તો દુનિયા લુંટાઈ ગઈ એમ વર્તન કરશે. અને મોટા મોટા અવાજે... અભીમેં લીફ્ટમેં હું. બાર નીકલકે ફોન કરતા હું એમ બરાડશે.

- જે માળ ઉપર જવું હોય, અન્ય કોઇએ બટન દબાવ્યું હોય તો પણ એ ફરી એક વખત બટન દાબા દાબ કરતો રહેશે.

- અમુક લીફ્ટમાં એવો તો ગંભીર મુદ્રામાં આવી જાય જાણે કોઈના બેસણામાં બેઠા હોય.

- લીફ્ટના પંખાના પાંખીયા ગણવા માંડે અને વારંવાર ગણ્યા જ કરે એમ નજર ઉપર ચોંટાડી ઉભો રહે.

- અરીસામાં ભવાં ઉંચા કરી ચહેરાઓ બનાવે.

- ઘણા લીફ્ટમાં ચડી બેસે, લીફ્ટ ખાલી જ હોય અને અન્ય કોઇને આવતા જોવે તો ઉતાવળે દરવાજા બંધ કરી નાખે. અને એવો આનંદ વ્યકત કરે જાણે બાજુવાળા બાબ્બભાયનો હેપી બર્થડે.

- અમુકને લીફ્ટ એટલે જાણે સીટી વગાડવા કે ગીતો ગણગણવાની મોકળાશ. કુમાર સાનુ પંડમાં આવી જાય.

- લીફ્ટમેનના ટેબલ ઉપર કબજો જમાવી દે. જાણે રાત્રી મુકામ નક્કી હોય.

- જે બીલ્ડીંગમાં બેઝમેન્ટ તરફ જતા હોય અને ગ્રાઉન્ડફ્લોર ઉપર લીફ્ટ ઉભે એટલે નીચે જવા વાળો તો સલવાણો. ગ્રાઉન્ડફ્લોર ઉપરથી ટોળું હલ્લો બોલાવી દેશે.

- જે બીલ્ડીંગની અગાસી કે બેઝમેન્ટમાં વોચમેન રહેતો હોય તે સંજોગમાં એ પરીવાર જ લીફ્ટનો કબજો વધુ જમાવે. એને બાદ કરતાં સમય મળે તો જ અન્ય લોકોને લીફ્ટ મળશે.

- અને હા.. જો આ કેની જી કે યાનીનું સંગીત ન હોત તો લીફ્ટના મ્યુઝીક ક્ષેત્રે તો શું નું શું થઈ ગયું હોત.

એકદમ અલ્ટીમેટ

- લીફ્ટના બટન્સની લાઈટ બંધ હોય, લીફ્ટની પણ લાઈટ બંધ હોય. આઉટ ઓફ ઓર્ડરનું બોર્ડ માર્યું હોય તો છત્તાં પણ બટન દબાવતા રહે અને પુછે કે બંધ લાગે છે કાં??

#આ_તો_એક_વાત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો