હોમ

રવિવાર, 10 માર્ચ, 2013

Art of Invitation & Invitation art.. આમંત્રણ આપવાની કળા કે કળાઓ...


આમંત્રણ આપવાની પ્રથાની કથાની કળા કે કળાથી અપાતું આમંત્રણ.......

લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગને આમંત્રણ આપવા મહેમાન પધારે અને જે આનંદ આવે (કોને એ પછી ખબર પડે) એ મજા જ કાંઈ ઓર છે. હાલમાં (આમ તો દર શિયાળે અને વૈશાખ મહિને) લગ્ન ગાળો રોગચાળાની જેમ ફાટી નીકળ્યો છે. અને વિવિધ પ્રકારની કંકોત્રી લઈ નોતરાં દેવા મહેમાન આવે.

આજે કંકોત્રી કિંમતી થતી જાય છે અને આમંત્રણ ઉમળકા વગરના થતા જાય છે. લોકોને વ્યવહાર પતાવવામાં અને વ્યવહાર નિભાવવામાં જે ફોર્માલીટી છે એ ઉકેલે છે.

અમુક સંબંધી છાપામાર સૈનિકની જેમ આવે, ’૭ ઘર પતાવ્યા, હવે તમને પતાવ્યા, હજી ૯ પતાવવાનાં બાકી છે. આમાં શું પતાવતા હશે? પાણીની પણ જગ્યા નથી. મનસુખભાઇને ત્યાં શરબત પીધું, ધનસુખભાઇને ત્યાં આઇસક્રીમ ખાધા અને કરશનભાઇને ત્યાં કોફી. એમ કહી ચા બાકી છે એ પણ આપણને જણાવી દેશે. અને ઉભા ઉભા પણ એક કપ ચા પતાવશે.

અમુક સજ્જનો શરૂઆત જ એવી કરે કે આ પ્રસંગમાં આવવા માટે કંકોત્રી આપે છે કે નહી આવવા માટે? એની રજૂઆત જ એવી હોય કે ’જો જો તમે આમ તો ક્યાંય જતા નથી અમને ખબર જ છે પણ અહીં આ પ્રસંગમાં અવાય એ પ્રયત્ન કરશોતમારી અનુકૂળતા પહેલાં. પણ આવશો તો અમને ગમશે’. હવે તમને પહેલાં જ રોકી પાડ્યા.
આપણે ત્યાં એક વિશિષ્ટ વ્યવસ્થા છે. ભોજન સમારંભ હોય કે સત્કાર સમારંભ એક લાઈન ચિંતા જનક હોય છે. આપશ્રી/આપ બન્ને/સહ પરીવાર અમુક આમંત્રણમાં યોગ્ય ઑપ્શન માર્ક કરવાનું રહી ગયું હોય, છેક સુધી ઘરમાં અવઢવ રહે કે કેટલાં જવાનું રહેશે અને કોણ જશે? ઘરમાં મહાભારતના યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય. (કાં જવા માટે અને કાં અન્યને મોકલવા માટે)

અમુક આમંત્રણ આપનાર સજ્જનો ઉઘરાણી કરતા હોય એમ લાગે. આમંત્રણ આપીને તરત જ કન્ફર્મેશન માંગે, કેટલા આવશો? અત્યારે જ કહી દ્યો, તો શું અમને ખબર પડે. અને આમંત્રણ આપતી વખતે એને સહેજ પણ વિવેક કરો કે ચા પીશો કે ઠંડું? તો તરત જ જણાવી દેશે, ચા તો આગલા ઘેર પી લીધી. મતલબ, ઠંડું આવવા દ્યો. પણ એ અનોખી મજા છે.

અમુક નિમંત્રકના સ્વયંસેવકો (નિમંત્રક વતી આવતા સ્વજનો) આપણા ઘરમાં બેસીને મૂળ યજમાનને ફોન કરશે, કે એ આને કેટલા લોકોને નોતરવાના છે? એ જવાબ મેળવી આપશ્રી/આપ બન્ને/સહ પરીવાર એમાંથી અયોગ્ય ઑપ્શન ભૂંસી નાખશે અને પછી સહર્ષ જણાવશે કે આપશ્રી પહોંચી જશો.

મારા એક મિત્રના લગ્ન પ્રસંગ ગામડામાં યોજાયેલ હતો. ત્યાંની પરંપરાને ધ્યાનમાં લઈ આમંત્રણ પત્રિકામાં લખેલ હતું કે વાસણ પ્રથા બંધ છે. અમે રહ્યા શહેરી અબુધ. ચાંદલો કર્યા વગર પરત આવી ગયા, અને એ મિત્રના સ્વજનો એ બાબતની ગંભીર નોંધ લીધી, ત્યાર બાદ બે વરસ સુધી અમારી હાજરીમાં એ મિત્રના સ્વજનો વારે તહેવારને સંભળાવે કે આ શહેરી લોકો વ્યવહારમાં સમજે જ નહી. પ્રસંગ ભેટમાં ટુકા પડે. બે વરસ પછી એને ઘેર પારણું બંધાયું ત્યારે વ્યાજ સહિત એ ચુકવણી કરી ત્યારે પરિવારને આનંદ થયો.

અમુક સંયુક્ત પરીવાર હોય અને એમાં જ્યારે સહ પરીવાર નિમંત્રણ આપનાર અને મેળવનાર સાવધાની વરતે છે. મારા એક સ્વજનના પરિવારમાં જ્યારે કોઈ આમંત્રણ આપે અને એમ સૂચના હોય કે સહ પરીવાર ત્યારે એ પરિવારના મોભી ચોખવટ કરે. ભાઈ ઘેર પૂછી લેશે. અમને સહ પરીવાર જનરલી કોઈ નિમંત્રણ આપતું નથી. કારણ કે અમે ઘરમાં કુલ ૩૨ જણા છીએ.

રૂબરૂ મળ્યા તુલ્ય સમજી આ પત્રિકા વાંચશો જી.... અરે ભાઇ કુરીયરમાં મોકલી દીધી, હવે એમ જ માનશું ને. અને અમુક કંકોત્રીમાં સ્વર્ગસ્થ સ્વજનોના નામ પાછાં દર્શનાભિલાષમાં લખ્યા હોય. ભાઇ અમને કોઈ જ ઉતાવળ નથી એમને મળવામાં. અને જ્યારે જાન જવાની હોય ત્યારે સસ્પેન્સ છેલ્લા ઘડી સુધી જળવાઈ રહે, કોને લઈ જવાના છે? જેની પાસે કારની વ્યવસ્થા છે તે મોસ્ટ વેલકમ અને બાકીના ભીડ-કમ એ ન્યાયે પ્રત્યેક ઘર દીઠ ૧ વ્યક્તિ જાનમાં આવશે. અને પાછું મહાભારત.

ઉમળકો, આનંદ અને પ્રસંગને ઊજવવો એ હવે મર્યાદિત સાધનો, આર્થિક સંકડામણ અને અન્ય ઔપચારિકતાઓ બધાને અનુકૂળ નથી રહેતી. પણ સમાજમાં રહીને થતું હોય તેટલું તો કરીએ, એ ન્યાયે આગે સે ચલી આતી હૈ, ચલાતે રહો એ ન્યાયે બસ ચલતે ચલે જાતે હૈ.

ટહુકો :: તોતડા અને બોબડા શબ્દો રમૂજ આપે છે. આમંત્રણ આવું હોય તો પ્રસંગ કેવો હશે? જોઈશું આગળ.

નોંધ: ભેલપુરી.કોમ માટે વિશેષ લખેલ અને અહીં પુનઃ રજુઆત. આભાર ધર્મેશભાઇ વ્યાસ, સિદ્ધાર્થ છાયા અને સમસ્ત ભેલપુરી.કોમ ટીમ

http://www.bhelpoori.com/2013/03/07/art-to-invite-or-invitation-art/