હોમ

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

Share & Care - કોઈની પણ કાળજી લેવી કેટલી જરૂરી છે.


શિયાળાની સખત ઠંડી રાત હતી. માર્ટીન રાત્રિના પોતાની ફરજ ઉપરથી ઘેરે આવ્યો, અને થોડું જમી એ અને એની પત્ની હીટર ચાલુ કરી જસ્ટ ઊંઘ્યા જ હતા. અંદાજે ૧ વાગ્યાનો સમય થયો હશે. અચાનક ફોનની ઘંટડી રણકી. પતી પત્ની બન્ને સફાળા બેઠાં થયા, અને થોડા ચિંતા ગ્રસ્ત પણ. કે આ કસમય કોનો ફોન હશે? માર્ટીન ફોન ઊંચકે છે, અને એના આશ્ચર્ય અને આઘાત વચ્ચે એક યુવતીના કુસકાં, રુદન અને તૂટ્યો અવાજ સંભળાય છે. અને એ કહે છે કે પાપા... મને બચાવો.. હું તકલીફમાં છું.

પુત્રી: પાપા હું તમારી બેટી વાત કરૂં છું, તમે નારાજ તો નથીને મારાથી?
માર્ટીન: બેટી સ્વસ્થ થઈ ને વાત કર. હું કે તારી માં કોઈ જ તારાથી નારાજ નથી.
પુત્રી: પાપા, સ્વસ્થ થવાય તેટલી હિંમત નથી મારામાં. હું તમને ફક્ત પીડા જ આપતી રહી છું અને આજે મને મારી ભૂલનો અહેસાસ છે.
માર્ટીન: ના બેટી તેં ક્યારેય કોઈ જ પીડા આપી નથી. તું પહેલાં એ જણાવ કે તું ક્યાં છો? અને શું થયું છે?
પુત્રી: ના હમણાં તમને જણાવી શકું એ સ્થિતિમાં હું નથી, અને મને પણ ખબર નથી કે હું ક્યાં છું.
માર્ટીન: તને શું થયું છે? કોઈ ઈજા કે કાંઈ વાગ્યું તો નથીને?
પુત્રી: ના કોઈ મોટી ઈજા નથી. હવે મને સારું લાગે છે.
માર્ટીન: બોલ શું થયું હતું?
પુત્રી: હું તમને જાણ કર્યા વગર મારા મિત્રો સાથે બહાર ફરવા નીકળી હતી. અને આજે પહેલી વાર મેં શરાબને સ્પર્શ પણ કર્યો.
માર્ટીન: ઓકે. તું હવે ૧૬ વરસની છો, તને ખબર જ છે કે તું હવે તારી રીતે નિર્ણય લઈ શકે છે. આગળ વાત કહે.
પુત્રી: પણ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર મેં કાર ચલાવી અને એ પણ શરાબની અસર હેઠળ.
માર્ટીન: અરે... કોઈને ઈજા તો નથી પહોંચાડીને?
પુત્રી: ના. કોઈને ઈજા તો નથી થઈ પણ એક ટેલિફોન બૂથને મેં પાડી નાખ્યું છે અને મારો મિત્ર છે એનો હાથ ભાંગી ગયો હોય તેમ લાગે છે.
માર્ટીન: તો એક કામ કર. પહેલાં તું એમ્બ્યુલન્સને જાણ કર. અને પછી તું ઘેરે આવતી રહે. તને કોઈ કાંઈ નહી કહે. ચિંતા ન કરીશ.

એ દરમ્યાન માર્ટીનની પત્ની એકદમ ચીંતાગ્રસ્ત ચહેરે આ વાતચીત સાંભળી રહી હતી.

માર્ટીન: હું તને એમ્બ્યુલન્સ સર્વીસનો નંબર આપું છું, તું નોંધ કરી લે અને પછી એમને ફોન કરીશ તો એ સત્વરે આવી જ જશે.
પુત્રી: મારી પાસે પેન કે કાગળ નથી કે હું લખી શકું. મને પ્લીઝ મદદ કરો.
માર્ટીન: તો એક કામ કર. તું મને જ્યાં ઊભી છો ત્યાંનું વર્ણન કર. હું તને એ જગ્યા ઓળખવામાં મદદ કરીશ અને હું જ એમ્બ્યુલન્સને જાણ કરીશ.
પુત્રી માર્ટીનને એ સ્થળનું વર્ણન કરે છે અને માર્ટીન બીજા ફોન ઉપર એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરે છે.
માર્ટીન: ફોન ચાલુ જ રાખ. જો હમણાં ગણતરીની મીનીટ્માં જ તારી પાસે પહોંચશે.
પુત્રી: હા પાપા. હું ફોન ચાલુ જ રાખીશ.
માર્ટીન: હવે તું રડવાનું બંધ કર. બધું સારું જ થશે.
અને એમ્બ્યુલન્સના સાઇરનનો અવાજ સંભળાય છે.
પુત્રી આશાભર્યા અવાજે કહે છે કે પાપા એમ્બ્યુલન્સ આવી ગઈ છે અને હવે હું ફોન મુકીશ. માર્ટીન હા કહે છે અને જણાવે છે કે તું કોઈ ચીંતા કર્યા વગર તરત જ ઘેરે આવ. પુત્રી હા કહે છે અને ફોન મુકે છે.

માર્ટીનની પત્નીના ચહેરા ઉપર ચિંતા સખત હતી. બન્ને એમના રૂમની બાજુમાં આવેલા રૂમમાં હળવેથી પ્રવેશે છે અને ત્યાં ઊંઘેલી એમની પુત્રી ઉપર ધાબળો સરખો ઓઢાડે છે અને રૂમને બંધ કરી બહાર નીકળે છે. માર્ટીન એની પત્નીને કહે છે કે એ રોંગ નંબર હતો. પણ આખરે એ પણ કોઈની પુત્રી હતી. બન્નેની આંખમાં આંસુ હતાં. પણ એક સત્કાર્યનો આનંદ પણ હતો.

સોર્સ: આવેલો એક ઇ-મેઇલ.

3 ટિપ્પણીઓ: