હોમ

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

કોઇ એક વ્યક્તિ શું કરી શકે? One Man - Who started Revolution



એક વ્યક્તિ એકલ શું કરી શકે? અને એમાં પણ જ્યારે એ કેન્સર જેવી મહા ભયંકર બીમારીથી પીડિત હોય અને એનો એક પગ સર્જરી કરીને દૂર કરવામાં આવ્યો હોય?

હું તમે કે કોઈ પણ એ કલ્પના કરતાં અચકાઇએ અને કદાચ એવી કઠોર કલ્પના પણ ન કરી શકીએ.

પણ એક વ્યક્તિ કલ્પનાના વિશ્વથી ઉપર ઊઠીને એક અનોખું કાર્ય - આટલી તકલીફ વચ્ચે કરવા સર્જાયેલ.

જેમનો જીવન કાળ ૨૮ જુલાઈ, ૧૯૫૮ થી ૨૮ જૂન, ૧૯૮૧ વચ્ચે રહ્યો. મુશ્કેલીથી ૨૩ વરસના જીવનકાળમાં અનેક વ્યથાઓ વચ્ચે એમણે સમગ્ર જગતને એક નવી દિશા બતાવી. શાળા જીવન દરમ્યાન એક મેરેથોન દોડવીર, બાસ્કેટબૉલ ખેલાડી રહ્યો. અને શાળા ઉપરાંત યુનિવર્સિટીમાં પણ નામના કાઢી.

પણ, ૧૯૭૭ માં એમને એક અસાધ્ય રોગ લાગુ પડ્યો. કેન્સર. ઓપરેશન બાદ એમનો એક પગ દૂર કરવામાં આવ્યો, એ પછી પણ એમની અંદર રહેલો એક ખેલાડી અને એ જુસ્સો યથાવત્ રહ્યો. એ કૃત્રિમ પગ વડે ઓપરેશનના ત્રણ અઠવાડીયામાં એણે ફરી ચાલવાનું શરૂ કરી દીધેલું.  એમણે કૃત્રિમ પગ વડે દોડવાનું અને વ્હીલચેર બાસ્કેટ બોલ રમવાનું ચાલુ જ રાખ્યું. અને ત્રણ વખત રાષ્ટ્રીય ચેમ્પીયનશીપ પણ મેળવી.

કેન્સર રોગની સારવાર માટે જન જાગૃતિ અને રોગગ્રસ્ત લોકોના ઇલાજ માટે પૂરતાં નાણા માટે એમણે એવી હાલત (કૃત્રિમ પગ સાથે) મેરેથોન ફોર હોપ શરૂ કરી. કેનેડાના એક છેડેથી બીજા છેડા સુધી. કુલ ૫૦૦૦+ માઇલ (કી.મી. નહી) દોડવાનો પુરુષાર્થ આરંભ કર્યો. પણ સંજોગો એવા નિર્માણ થયા કે ૧૪૩ દિવસમાં એ યાત્રા અટકાવવી પડી. અને એ ૧૪૩ દિવસમાં એ વ્યક્તિઓ કુલ ૫૩૭૩ કી.મી. (૩૩૩૯ માઇલ) દોડી કાઢ્યા. અને એ સમય દરમ્યાન એમના આ મિશન માટે અઢળક કેનેડીયન ડોલર એકઠા કર્યા. આજ સુધીનો રેકૉર્ડ છે કે ૫૦૦ મીલીયન કેનેડીયન ડોલર એમના નામથી એકત્ર થયા છે. એ અલગ અને દુઃખદ વાત છે કે એ અટકાવેલી દોડ એ પછી ક્યારે પણ પૂર્ણ ન કરી શક્યા. એમનું ૨૮ જૂન, ૧૯૮૧ના રોજ અવસાન થયું.

આજે તેઓ તેમના આ કાર્યથી જીવંત છે અને તેમના નામ સાથે દુનિયામાં અનેક સ્થળે મેરેથોન ફોર હોપ યોજાય છે. જેમાં ભાગ લેવો અગત્યનો છે. હાર કે જીત નહી. એમનું નામ છે ટેરી ફોક્સ. તેમને કેનેડાનો ખેલ જગતનો સર્વોચ્ચ ખિતાબ પણ મળ્યો. આજે એમના નામે અનેક પાર્ક, બીલ્ડીંગસ, મકાન અને રોડના નામ છે. તેઓ એક રાષ્ટ્રીય હીરો તરીકે પ્રસ્થાપિત છે.

આજે પણ મેરેથોન ફોર હોપ કે જે હવે ટેરી ફોક્સ રનના નામથી વિશ્વના અનેક દેશોમાં એક રાષ્ટ્રીય પર્વ બની ગયું છે જે ૫ થી ૨૫ કી.મી. જેટલી મેરેથોન યોજાય છે. જેમાં સ્પોન્સરશીપનું મહત્વ નથી.

હાર કે જીતનું મહત્વ નથી. એમાં ભાગ લેવું જ અગત્યનું છે અને ભાગ લઈને પૂર્ણ કરવું.


આ વીડીયો અવશ્ય આપને પ્રેરક બનશે.

માહિતિ સોર્સ: ઇન્ટરનેટ, વીકીપીડીયા અને કેટલાક પ્રવચનો જે મેં એમના વીશે સાંભળેલા છે.

2 ટિપ્પણીઓ: