હોમ

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

માન ન માન મૈં તેરા મહેમાન. What Guests we had


ઘેરે મહેમાન આવે ત્યારે કેવું કેવું વર્તન થાય એ ક્યારેય નોંધ્યું છે?? અને કેવા કેવા પ્રશ્નો પુછે?

મુંબઈમાં મારૂં ઘર રેલ્વે સ્ટેશનથી તદ્દન નજીક. તદ્દન એટલે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ચાલીને પહોંચતા ૫ મિનીટ થાય. મહેમાનોનો લાભ ખુબ મળે. એમના આગમનનો આનંદ પણ હોય. અને આનંદ દેખાડતો રહેવો એવો વડીલોનો આદેશ પણ.

અમુક સજ્જનો (જુવો મેં હજી પણ સજ્જન જ લખ્યું છે) રેલ્વે સ્ટેશને ખાસ તેડવા આવવું, એવો આગ્રહ રાખે. ઘેરે આવી, સંકડાશ (ઓફકોર્ષ જગ્યાની - મનની હોત તો ઘેરે જ ન આવી શક્યા હોત) અને નહાઈ, બપોરનું ભોજન અને આરામ કરી એમના સગાને ત્યાં જવા પ્રસ્થાન કરે. અને સંભળાવતા પણ જાય. આ તો એને તકલીફ ન પડે એટલે શું અહીં પ્રાથમીક કાર્યો પતાવીને જઈએ.

દરેક પ્રશ્નો ખરેખર અનુભવેલા, સાંભળેલા છે. જે બ્રેકેટ્સમાં નીચે લખેલું છે તે મનમાં જ સ્ફુરેલા અને ત્યાં જ વીરમેલા જવાબો છે. કોઈ વડીલ હોય, એમને આવું કેમ કરીને સંભળાવી શકાય?


- શું તમે આ રસોઈ હાથે બનાવી છે?
(ના અમારે ઘેરે તો પગેથી બનાવે છે.)

- અમારા ઇ તો ક્યારેય બહારનું ખાય જ નહી.
(અરે એનું હાડ ગાંઠિયાનું છે)

- અમે તો RO Plant નું જ પાણી લઈએ.
(અમે તો કુવે જઈએ)

- એ.સી. નથી તમારે ત્યાં?
(અગાસીમાં બાખું પડાવવાનું જ છે. બાર માસ એ.સી./ અને કેમ એનું ઘર સેન્ટ્રલી એ.સી. હોય?)

- તમે કાર્પેટ નથી રાખતા? અમને ખુલ્લા પગે ન ફાવે એમ જમીન પર ચાલવાનું.
(કાર લીધા પછી પેટ ખાલી રહે છે - કાર્પેટની ક્યાં કથા કરો છો)

- તમારા ભાઇને તીખું અને તળેલું નથી માફક આવતું.
(રેંકડીએ ૨૫૦ ભજિયા સાથે ૧૫ મરચાં ઉલાળી જાય છે મારો ભાઇ ઇ તને ખબર છે?)

- અમને સેપરેટ રૂમ આપજો.
(એ અમે ઓટે ઊંઘી જશું. બસ.)

- લે તમે હજી લક્ષ સાબુ વાપરો? અમને ડવ વગર તો ફાવે નહી.
(કોડાવ અમે તો રણછોડભાઇનો પીળો સાબુ વાપરીયે. આ તો તમને જોઇને ગયા વરસે લીધેલો
લક્ષ કાઢ્યો છે બાર, તમે જાસો એટલે લુઇને પાછો મૂકી દેશું)

- અમારા છોકરો/છોકરી બહુ શાંત
(એક અરીસો તોડ્યો, સ્કૂટરની સીટ ફાડી, બે કાચના ગ્લાસ તોડ્યા પછી?)

- તમારા ગામમાં બહુ કાંઈ ફરવા જેવું નહી.
(૨૦૦૦ના પેટ્રોલનો ધુમાડો કર્યા પછી હાવ આવું?)
આ તમારે પાર્કિંગ સાવ નાનું હો... કાર પાર્ક કરવા મા બહુ તકલીફ પડે....
( તી મે ક્યાં કિધુ તુ કે કાર લઈ આવ... સાઈકલ પર આવ ને ....)
આ તમે કોઈ ઇન્ટીરિયર પાસે કામ નથી કરાયવું લાગતું....
( તે જાણે તારા ઘર ના નળિયા માટે આર્કિટેક્ટ રોક્યો હોય.....)
તમારી શેરી મા કુતરાવ બહુ હો....
( તે તમારે ગિર મા રહેવા નું... સિંહ ના ટોળા છુટ્ટાં ઘા થતા હોય???)
ઓહોહો.. ચ્હા તો ઓલા બજરંગ ની જ હો.....
( આ ગોલકી ના ને કેમ હમજાવુ કે આય તું આવ્યો એટલે સારી બની.... ને એવા અહોભાવ મા પાર્સલ કરાવી ને જ અવાય ને....!!!)
તમારે વાસ્તુ મુજબ નું ઘર છે?????
( આ પૂછે છે કે ટમકું મુકે છે એ જ ન સમજાય......?)
આ તમે મરચું કઈ બ્રાંડ નું વાપરો.....
( ભાઇ હમજ... આ તારી લપ થી કંટાળી ને જુનો હરસ તને યાદ કરાવવાનો પ્લાન શ્રીમતીજી નો છે.........)
આ તમારે કલર એશીયન પેઇન્ટ ના લગાડ્યા???
( ના ભાઇ ના... અમારે ગાય ભેસૂ કલર વાળા પોદળા કરે... એના થી લીંપેલ છે..)
અમે તો બહુ ક્યાંય નીકળતા જ નથી અમને અમારા ઘર જેવું ક્યાંય ફાવે નહિ ( તયેં આયા હું અઠવાડિયા થી ધામો નાખી ને પડ્યા છો )

લાસ્ટ બટ નોટ લીસ્ટ:

- જતાં જતાં.... તમે તો ક્યારેય આવતા જ નથી અમારે ત્યાં... આવું ન ચાલે. અથવા તમારે તો
આવવું જ નથીને અમારે ત્યાં? ક્યારેક ફુરસદ લઈને આવો?
(અરે કોઈ દિવસ ખોટા વિવેક પણ કર્યો છે ખરો? અને કોઈ આવે છે ખરા તમારે ત્યાં?)

એક SMS અનુસાર:: 

માતા: બેટા મહેમાન માટે કાંઈક લેતો આવ.
બેટો: હા મમ્મી, હું રીક્ષા લઈ આવ્યો.



છે કોઈ આવા મહેમાનનો અનુભવ??

4 ટિપ્પણીઓ:

  1. મિતેષભાઇ, તમે શાહબુદ્દીનભાઇને યાદ કરાવી દીધા! એક તો મુંબઈ ને એમાં પાછા આવા વહરા મેમાન આવે! તમારો કૌંસતો ભૈ ભારે અણીયાળા...તમે જો સ્ટેન્ડઅપ કોમેડીમાં ગય તો ભલભલાની છુટ્ટી થઈ જવાની!

    જવાબ આપોકાઢી નાખો
  2. મસ્ત મસ્ત... તમને પાછા મસ્તી વાળા મુડ મા જોઇ ને મને મજા આવી ગઇ... આવુ તો તમારી પાસે જબરુ જબરુ કલેક્શન છે..... તમે પોસ્ટ પણ કરી તી ....
    મીતુભા ના અનુભવ ઇઝ બેક......

    જવાબ આપોકાઢી નાખો
  3. મુંબઈ શહેરમાં ઘર બહુ નાના, ભાઈ! (બહુ એવું લાગતું હોય તો Antillaમાં એક માળ ભાડે અપાવી દો ને.)

    જવાબ આપોકાઢી નાખો
  4. તમારા અનુભવો વાંચવાનો એક લ્હાવો છે .. અને સાંભળવાનો બીજો એક લ્હાવો ...
    મારા અનુભવે કહું છું વાંચવાની મજા તો આવે જ છે પણ સાંભળવામાં તો ગોટો થઇ જવાય છે ..
    અમે તો હવે વાંચીએ ત્યારે પણ તમારા લાક્ષણિક હાવભાવ નજર સામે આવે ... ઘરના પૂછે ગાંડો થઇ ગયો છે?.. એકલો એકલો હસ્યા કરે છે?

    જવાબ આપોકાઢી નાખો