હોમ

શનિવાર, 20 ઑક્ટોબર, 2012

Best Time of My Life - જીવનનો શ્રેષ્ઠ સમય!


એક સત્ય પ્રસંગ ઉપરથી પ્રેરિત ::

૨૩ ઑક્ટોબર મારા જીવનનો મહત્વનો બનાવ બનવા જઈ રહ્યો છે. મારો ચાળીસમો જન્મદિવસ. જન્મદિવસનો ઉત્સાહ હવે ઓછો થતો જાય છે. સાથે સાથે મનમાં એક અનોખી લાગણી પણ કે જીવનના એક અનોખાં દશકમાં પ્રવેશી રહ્યો છું. બાકીનો સમયગાળો કેવો રહેશે? જવાબદારીઓ વધતી જાય છે અને જીવનના શ્રેષ્ઠ દિવસો હવે પૂર્ણ થતા જાય છે. એ જ સવાર અને એજ સાંજ લાગે છે કે આવનારા દિવસો સંઘર્ષમય તો રહેશે જ. વેલ.. આ વિચારોથી ઘેરાયેલો હું સવારે બગીચામાં ફરવા નીકળ્યો. અને રોજના જે મિત્રો હતા તેમને મળ્યો. અને ધ્યાન સુંદરલાલ શાહ ઉપર ગયું. એ નિયમિત સવારે આવે અને બગીચામાં સ્ફુર્તીથી લગભગ અડધી કલાક ચાલે, કસરત પણ કરતા હોય, હસતા હોય અને મિત્રોને હસાવતા પણ હોય.

સુંદરલાલ શાહ - એક જૈફ વયના સજ્જન. જીવનના સાત દશકાઓ જીવી ચૂકેલા. એ મારી સમક્ષ આવ્યા અને પૂછ્યું, કે ભાઇ આ ચહેરો કેમ પડેલો હોય તેમ લાગે છે? સવારની તાજગી કેમ નથી? કોઈ સમસ્યા છે? મેં એમને મારી દ્વિધા જણાવી. ચાળીસના દસકા પછીના સંભવિત પ્રશ્નોની. પણ એમની જે સ્ફુર્તી હતી તે મને પ્રભાવિત કરી ગઈ. મેં એમને પૂછ્યું કે આપના જીવનનો શ્રેષ્ઠ સમય કયો હતો?

સુંદરલાલ શાહ - જો ભાઇ મને ૭૯ વરસ પૂર્ણ થયાં. તારા આ ફીલોસોફીકલ પ્રશ્નનો જવાબ થોડો લાંબો પણ છે અને ફીલોસોફીકલ પણ છે.

મારો જન્મ કચ્છના એક નાના ગામમાં થયો હતો. અને એ ગામની વસ્તી તે સમયે ૫૦૦-૭૦૦ આસપાસ હશે. ગામમાં શાળા પણ નહી. ૪ કી.મી. દૂર એક નજીકના ગામમાં ભણવા જતા. અને જે આનંદ આવતો તે જીવનનો શ્રેષ્ઠ સમય. વરસમાં ૯ મહિના પાણી માટે ગામ બહાર વાસણો લઈને ગાડીએ જતાં, અને જે મજા આવતી એ જીવનનો શ્રેષ્ઠ સમય. દિવાળી ઉપર ચાર ભાઈઓ અને ત્રણ બહેનો વચ્ચે થોડા ફટાકડા મળે અને વહેંચીને ફોડતાં અને જે આનંદ આવતો એ જીવનનો શ્રેષ્ઠ સમય.

પાંચમાં ધોરણ પછી ભુજ બોર્ડિંગ સ્કૂલમાં ભણવા જવાનું થયું અને પહેલી વખત મોટું શહેર જોયું, ત્યાં ભણવાનો, ફરવાનો જે આનંદ આવતો એ પણ જીવનનો શ્રેષ્ઠ સમય. અંજારમાં ધરતીકંપ આવ્યો, અમારાં ઘર અને ગામની દુકાન નાશ પામી. પરીવાર સાથે મુંબઈ આવ્યા. એક રૂમના ઘરમાં ૧૦-૧૨ જણા રહેતાં. નવું શહેર, નવી ભાષા અને નવા રીત-રિવાજો શીખવાનો જે આનંદ આવતો એ પણ જીવનનો શ્રેષ્ઠ સમય.

મારા બાપુજી નાની દુકાનની શરૂઆત કરી અને એ દુકાનમાં હું એમને મદદ કરવા જતો, નવું શીખતો એ પણ જીવનનો શ્રેષ્ઠ સમય. સમય જતાં મેં સ્વતંત્ર વ્યવસાય બનાવ્યો. મહેનત કરી, નવો વેપાર ઊભો કર્યો એ પણ જીવનનો શ્રેષ્ઠ સમય. અમારા ગામના જ એક પરિવારની કન્યા નામે કેસર એમની સાથે લગ્ન થયા, એ સંઘર્ષના દિવસોમાં, પણ કેસરનો સાથ એ પણ શ્રેષ્ઠ સમય.

આજે પુત્ર અને પુત્રીના સંતાનોને મોટાં થતાં જોઈને જે આનંદ આવે છે એ પણ શ્રેષ્ઠ સમય. અને હા, કેસરને હું આજે પણ એક આનંદમય જીવન જીવીએ છીએ. એક બીજાને સહારો. એ પણ શ્રેષ્ઠ સમય જ છે. બોલ તને ક્યા શ્રેષ્ઠ સમયની વાત કરૂં?

આવનારો સમય કેવો હશે? એની ચિંતા આજે શું કામ કરે છે? આજનો જે સમય છે એ જ શ્રેષ્ઠ સમય છે.

મને મારી સમસ્યાનું સમાધાન મળી ગયું અને હું સ્ફુર્તીથી મારા રસ્તે ચાલવા લાગ્યો.

સોર્સ: એક મિત્ર સાથેનો સંવાદ અને એક ઇ-મેઈલ

3 ટિપ્પણીઓ:

  1. માટે, "આજ" એજ જીવન નો શ્રેષ્ઠ દિવસ અને 'આ ઘડી' એ જ જીવન ની સૌ થી અમુલ્ય ઘડી...

    જવાબ આપોકાઢી નાખો
  2. આવનારો સમય કેવો હશે? એની ચિંતા આજે શું કામ કરે છે? આજનો જે સમય છે એ જ શ્રેષ્ઠ સમય છે.
    vah aa to ek saru status mali gayu. gamyu.. jivan na darek tabbko ek alag rite shreshth hoy che..

    જવાબ આપોકાઢી નાખો