હોમ

ગુરુવાર, 22 નવેમ્બર, 2012

Perception - કોઈ પણ બાબત અંદર ઉતરીને જોઈએ તો અલગ વર્ઝન મળી શકે.


Perception Boss... Perception... Please read till end. 

રંભા અને મંછા વાત કરતી બેઠી હતી. મંછા કહે કેવો રહ્યો તારો વીક-એન્ડ?

રંભા - અરે પૂછ માં. એકદમ રોમાન્ટીક. અમે તો બહાર જમવા ગયા. અને સાંજે ઠંડો પવનમાં એક મસ્ત રોમેન્ટીક વોક અને પછી કેન્ડલ લાઈટમાં બેસી અને બહારથી મંગાવી કોફી પીધી. બસ ખૂબ વાતો કરી. અને તારે?

મંછા - મારે તો ભુરો આવ્યો, જમ્યો અને પડખું ફેરવીને ઊંઘી ગયો. એકદમ અન-રોમેન્ટીક.

મંછા અને રંભા - હમ્મ્મ્મ્મ.. (નીસાસો:)
:
:
:
:
:
:
વર્ઝન - ૨

ભુરો - કરશન કેવો રહ્યો વીક-એન્ડ?

કરશન: અરે પૂછ માં. કાલે ઘેરે ગેસ ખલાસ અને લાઈટ પણ નહી. અને ફરજિયાત બહાર જમવા જવું પડ્યું, અને વિના કારણે ૧૫૦૦નો ધુમાડો, પાછાં ફરતાં રિક્ષા મળી નહી અને બે કિલોમીટર ટાંટિયા ઠોકતાં ઘેરે આવવું પડ્યું. પાછી ઘેરે લાઈટ નહી અને આખા ઘરમાં મીણબત્તી કરીને બહારથી મંગાવી કોફી પીધી. ફીણ નીકળી ગ્યા અને માંડ ઊંઘ આવી. અને ભુરા તારે?

ભુરો - અરે મારે તો જલસો પડી ગ્યો. ગરમા ગરમ જમ્યો અને મસ્ત ઊંઘી ગયો. સીધી પડે સવાર.

- કયારેય નિર્ણય ઉપર આવતાં ઉતાવળ ન કરવી. બન્ને વર્ઝન ચેક કરીને નિર્ણય લેવો. :D

Perception Boss Perception - A real life Experience

એક કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. અને એનો પ્રત્યક્ષ અનુભવ પણ થયો જ્યારે હું ૧૯૯૧માં મુંબઈથી રાજકોટ સ્થાયી થવા માટે આવ્યો.

રાજકોટમાં રૈયા રોડ પર આવેલ એક સહકારી બેંક માં ખાતું ખોલાવવા ગયો. ફોર્મની વિધિ પુરી કરી. એક મેડમ બેઠા હતા. એમનો લહેકો અને બોલી બન્ને શુધ્ધ કાઠીયાવાડી હતી. અને મારી.... એકદમ વલહાડી..

ફોર્મ ચેક કરતા એમણે એક સવાલ કર્યો. કારણ મારૂં કાયમી સરનામું વલસાડનું હતું.

મને કહે કે મારા બેન વલસાડ રહે છે? 

મેં કહ્યું કે બૌ સરસ તમારા બેન વલસાડમાં કાં રેય તે કેવ ની.

તો પાછા સહેજ મોટા અવાજે - ના એમ નહી, મારા બેન વલસાડ રહે છે?

મેં પુછ્યું કે વલસાડમાં કાં રેય તે કહોની, સાવ નાલ્લું જ ગામ છે. હોધી કાઢા. અને તમે કેવ તો મલી બી આવું તેમાં હું. 

પાછળ બેઠેલા મેનેજર કહે તમે સમજતા નથી. એ બહેન શું કહેવા માંગે છે. એ તમારા ઘરવાળાનું પુછી રહ્યા છે. 

મેં કહ્યું, સાહેબ તમે નથી હમય્જા. એ હું પુછે છે તે. પન એ મુને એડ્રેસ આપે એટલે જૈ આવું કે ની?

પછી ખુલાસો થયો કે સૌરાષ્ટ્રમાં સામે વાળાના પત્નીને મારા બેન કહીને બોલાવાય. બેંકમાં ખાસ્સી રમુજ ફેલાયેલ.

પછી મેં જવાબ આયપો કે મેં તો હજી કુંવારો છે. તમારા બેન કાં છે તે મને જ ની ખબરને. 

એ પછી એ બહેન જ્યારે બેંકમાં જાંઉ ત્યારે નજર ચુકાવી દેતા.

:D :)

3 ટિપ્પણીઓ: