હોમ

શુક્રવાર, 16 નવેમ્બર, 2012

હોંઉ તો હોંઉ પણ ખરો.... If I were the God, this may be true.


હોંઉ તો હોંઉ પણ ખરો ::


આઝાદીના વરસો પહેલાંની વાત છે. જ્યારે સૌરાષ્ટ્ર અનેક નાના રજવાડામાં વહેંચાયેલ હતું અને ચંદ્રવંશી, સુર્યવંશી રાજપૂતો અને નવાબી શાસન હતું. આવા જ એક રાજ્યની વાત છે. ત્યાં રાજા તો પરોપકારી હતો અને નિજાનંદમાં મસ્ત અને વ્યસ્ત રહેતો. પણ રોજ-બરોજનું કાર્ય એનો કારભારી સંભાળતો. કારભારી એટલે બધી વાતને પુરો. રાજાના નામને વટાવીને લોકો પર ભારે હાથે રાજ કરતો અને ખૂબ મજા લેતો. લોકો એને જાહેરમાં તો રાજાની બીક કે ભયના કારણે કંઇજ કહી ન શકતા પણ પાછળ ખૂબ જ ગાળો આપતા અને પ્રયત્ન કરતા કે કેમ કરીને પણ રાજાને તો જણાવવું જ.

પણ કારભારી એનું નામ. મોકો આપે જ નહી. લોકો ત્રાહીમામ પોકારી ઊઠેલા. કોઇએ એક વખત હિંમત કરીને રાજાને ફરિયાદ કરી. રાજા ત્યારે રાજાપાઠમાં ન હતા અને શાંતિથી સાંભળીને એકદમ ઉક્ળી ઊઠ્યા. શું વાત છે, મારો કારભારી મારા નામ ઉપર આવો જુલમ? ન ચાલે. અન્ય લોકોને પણ સાંભળ્યા. સુર એ જ હતો. રાજા એ અતિશય ગુસ્સે થઈને કારભારીને બોલાવી અંતિમ સજા જાહેર કરી જ દીધી. ૨૪ કલાકમાં દેશ-નિકાલ. અને જો ૨૪ કલાક પછી મોઢું દેખાડ્યું તો માથું ધડ પર નહી રહે. 

લોકો છાને ખૂણે ખૂબ ખુશ થયા. પણ ખુશી કોઇએ જાહેર કરી નહી. કારણ કે લોકો એ સજાનો અમલ જોવા માંગતા હતા.

બીજા દિવસે ઢળતી બપોર હતી, બજાર જ્યારે લોકોથી છલકાતું હતું તે વખતે એ કારભારી બળદ ગાડામાં પરીવાર અને થોડી ઘણી ઘરવખરી લઈને નીકળ્યો. બધાને છેલ્લા રામ-રામ કરતો જાય અને કહેતો જાય કે જેવા નસીબ. હવે તો અંજળ-પાણી ખૂટ્યા. બસ નસીબ લઈ જાય ત્યાં જવાનું. બોલ્યું ચાલ્યું માફ કરજો અને કોઈને પણ દુ:ખ થયું હોય તો પણ માફ કરજો. 
લોકોએ હાશકારો અનુભવ્યો. કે ચાલો પીડા ગઈ.

ત્રીજા દિવસને વહેલી સવારે સૂર્યોદય સમયે અચાનક કારભારી હાથમાં પૂજાની થાળી, નાળિયેર, હાર-તોરણ લઈ રાજાના મહેલની બહાર ઊભો હતો અને દ્વારપાળને કહે જલદી મહારાજાને બોલાવો. હમણાંને હમણાં.

દ્વારપાળ કહે કે હે ભાઇ, શું કામ મને બ્રહ્મ હત્યાનું પાપ આપે છે? મહારાજા તમને જોતાં વેંત મારી નાખશે. સજા તો ખબર જ છે ને?

કારભારી કહે કે મારે એ જ જોઇએ છે. જલદીથી મહારાજાને બોલાવો.
હિંમત કરીને મહારાજાને ઉઠાડ્યા. અને ખબર પડી તો એ તો તલવાર મ્યાનમાંથી કાઢી, લાલ આંખ અને મોઢા પર ગુસ્સો લઈ, પગ પછાડતા દરવાજા પાસે આવી ગયા. અને કહ્યું કે તારું મોત તને અહીં લઈ આવ્યું છે. તું તો મરવાનો થયો છે.

કારભારીએ તો ત્યાં મહારાજાના પગ પાસે નાળિયેર ફોડ્યું, હાર-તોરણ કર્યા, અને માથું ઝુકાવી કહે કે હે મહારાજ હવે બસ આપની તલવાર અને મારુ માથું. બસ ચલાવો તલવાર.

હવે મહારાજ મુંઝાઇ ગયા. કે આ બધું શું છે? કારભારી કહે બસ મહારાજ તલવાર ચલાવો. મહારાજ કહે વાત તો કર આ બધું શું છે એ તો કહે.

કારભારી કહે, મહારાજ આપે દેશનિકાલ કર્યા પછી અમે કચ્છના રણમાં ઊતરી ગયા. અમારી પાસે ખાવા-પીવાનું કાંઈ જ નહી. બાળકો તરસે ટળવળે અને મારી ઘરવાળી પણ રડે. મારાથી બોલાઈ ગયું કે હે દ્વારકાધીશ, પાપ મેં કર્યા છે અને સજા મારા પત્ની-બાળકોને શું કામ? મારી આંખમાં પણ આંસુ આવી ગયા.

ત્યાં તો આકાશમાંથી તેજ પુંજ જમીન પર આવ્યું. અને ચારભુજા વાળા દ્વારકાધીશ સદેહે હાજર. મારા પત્ની-બાળકોએ પાણી પીધું, અન્ન લીધું. પણ મેં કાંઇજ ન લીધું. 

મહારાજ કહે કેમ?

કારભારી કહે, મારું ધ્યાન તો ફક્ત દ્વારકાધીશના ચહેરા પર હતું. એ મનોહારી ચહેરો. એ જ શાંતિ, એ જ તેજ એજ આભા. મહારાજ આપ જ હતા.
પછી વિચાર આવ્યો કે દ્વારકાધીશનો અવતાર તો આપણા ગામમાં બેઠો છે અને તું રણમાં રઝળીને મરીશ? બસ મહારાજ આપના હાથેથી મરીશતો મોક્ષ થશે. બસ ચલાવો તલવાર.

મહારાજ કહે.. બસ. આ અવતાર વાળી વાત મુક અને કામે ચડી જા. 
પણ કોઇને કહેતો નહી, આ અવતાર વાળી વાત.

વધુ લોકોને કહેવામાં માલ નહી, શું સમજ્યો. 

અને હા... આ અવતાર.....
હોઉં તો હોઉં પણ ખરો.





-આ વાર્તા મેં બહુ વરસો પહેલાં વાંચેલી હતી અને મને આજે મૂળ લેખકનું નામ યાદ નથી આવતું. પણ યાદગાર છે. અને જ્યારે યાદ કરૂં છું ત્યારે બસ આનંદ આવે છે. આ તેનો સારાંશ છે.


5 ટિપ્પણીઓ: