હોમ

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2012

Simple Lessons of Life - જીવનના સરળ પ્રસંગો જે લગાતાર શીખવતા રહે છે.


જીવનના સરળ પ્રસંગો જે શીખવતા રહે છે. લગાતાર........



અધીરાઈ કે સંજોગ:

આપણે ઘણી વાર વિચારતા હોઈએ કે સંજોગો મારે અનુકૂળ કેમ નથી હોતા? અને ક્યારેક તક હોય તો તૈયારી નથી હોતી અને તૈયારી હોય ત્યારે? ... તક નથી હોતી.

મને એક વાત યાદ છે, મારા એક વડીલ હંમેશા એ પોતાનો અનુભવ ક્વોટ કરતા.. આ પરિસ્થિતિ સમજાવવા માટે. એમના જ શબ્દોમાં...

- અમારા જમાનામાં મુસાફરી ઓછી રહેતી અને બહારનું રાંધેલું ખાવાનું તો પ્રતિબંધિત હતું. વ્યવસાય વકીલ અને સ્ટેટ (આઝાદી પહેલાંના વખતમાં) માટે અવારનવાર બ્રીટીશ એજન્સીની ઓફીસ ખાતે જવું પડતું. હવે રેલવેની મુસાફરી અને રાજકોટનું અંતર આશરે ૫-૬ કલાક. અને જે વસ્તુ પ્રતિબંધિત હોય તે મેળવવાની મજા કંઈક ઓર જ હોય.

ટ્રેઇન ઊપડે એટલે ચેવડા વાળો આવે અને પહેલો ઑર્ડર મારો હોય કે બે આનીનો (આ પણ એક કરન્સી હતી લગભગ ૧૨-૧૫ પૈસા) ચેવડો આપ. અને પેંડા વાળો ક્યાં? પેલો કહે બાજુના ડબ્બામાં છે મોકલું. અને પેંડા વાળો આવે ત્યાં ચેવડાની ઉજવણી ચાલુ થઈ જાય અને છેલ્લા બુકડે પેંડા વાળો પ્રગટ થાય. પાછી એજ પરંપરા, પેંડા આપ અને ઓલો ચેવડા વાળો ક્યાં, એજ જવાબ, આમ કરતાં લગભગ આઠ આના ના પેંડા અને આઠ આના નો ચેવડો ખાલી કરી જાઉં પણ સાલું આ ચેવડો પેંડા કોઈ દી ભેગાં ન થાય. 

ભૂખ, કોઈ જાણીતું જોઇ ન જાય અને બહારનું ખાવાનું (જે ભાગ્યે જ નસીબ હોય) આ ભેગું થાય આમાં ધીરજ કેમ રહે???

આજે બધું છે પણ ધીરજ ક્યાં???"



"સંબંધ પાલન કે સમય પાલન:

થોડા વરસો પહેલાં જ્યારે હું મુંબઈ અભ્યાસ કરતો હતો તે વખતે મારા કેટલાક સગા ત્યાં ફરવા માટે આવેલ હતા. તેમનો રાત્રી મુકામ બોરીવલી ખાતે અન્ય સંબંધીને ત્યાં હતો. એક શનિવાર નક્કી કર્યું કે રવિવાર આખો ચર્ચગેટ, મ્યુઝિયમ અને મરીન ડ્રાઇવ ફરવું. 

શનિવાર સાંજે મારી સાથે ફોન ઉપર કાર્યક્રમ ’ફાઇનલ’ કર્યો. એ પણ નક્કી કર્યું કે રવિવાર સવારે ૯.૦૦ કલાકને ચર્ચગેટ સ્ટેશન ઉપર વ્હીલરના બુક સ્ટૉલ પાસે મળવું. 

માંડ મળતો રવિવાર - ૭ વાગે ઊઠીને સવારે ૯.૦૦ કલાકને વ્હીલર પાસે ઊભો રહ્યો અને લગભગ ૧૦.૩૦ કલાક સુધી સંઘના દર્શન જ નહી, અને પાછું વ્હીલર છોડીને જવાય પણ કેમ? છત્તાં હિંમત કરી બોરીવલી ફોન કર્યો તો કહે, રવિવાર થોડું આળસ આવી ગયું અને નિરાંતે ૯.૦૦ વાગે તો ઊઠ્યાં. અને પછી થયું કે ચાલને બોરીવલી નેશનલ પાર્ક જઈ આવીએ. અને ખાસ શબ્દો હતા કે આપણે ક્યાં ’સાવ ફાઇનલ’ કર્યું હતું?

બધા વડીલો, કોને કહેવું? શું એક ફોન ન કરી શકે? કે પછી એક વિદ્યાર્થી તરીકે મારા સમયની શું કોઈ મોટી કિંમત હોય? કે પછી બે-જવાબદારી? હજી મને જવાબ નથી મળ્યો.

આપણે હજી આવા જ છીએ. LOL"



એક બીજાને ઠેકાણે પાડવામાં અને ઠેકાણે કરવામાં માણસ ખુદ પોતે ઠેકાણા વગરનો થઈ જાય
છે – અજુભવોક્તિ

3 ટિપ્પણીઓ:

  1. આને બેદરકારી કે સમયની કિંમત સાથે ન જોડીએ પણ આ મનોસ્થિતિ પોતાના શબ્દો પ્રત્યે ની પ્રામાણિકતા બતાવે છે, લુઝ બોલવું અને વિચારો પ્રત્યે વફાદારી નો અભાવ આનું મોટું કારણ છે, બીજી વાત કે બીજી વ્યક્તિની અગવડ/સગવડ તરફ ધ્યાન આપવાનો અભાવ છે, આ એક મનોદશા છે, પહેલાના જમાનામાં વધારે દ્રષ્ટિમાન હતી હવે ઓછી થતી જાય છે પરંતુ જતી રહી છે એમ કહી શકાય નહિ, આપને RSVP ની પશ્ચિમી પદ્ધતિનો ખ્યાલ તો જરૂર હશે, આજે દેશમાં કેટલા આમંત્રિતો એનો જવાબ આપ છે? પ્રભુ ટપાલ ની ટીકીટ બીજા કામમાં લઈને પણ જવાબ મોકલતા નથી અને પરિણામે યજમાનને ખબર જ ન પડે કે કેટલી વ્યક્તિઓ પ્રસંગમાં આવશે, કેટેરીંગ માં પણ સ્પષ્ટ ખ્યાલ ન આવે, આશા છે કે ક્યારેક બધા થોડી ઔપચારિકતા અમલમાં મુકશે,

    જવાબ આપોકાઢી નાખો
  2. એક બીજાને ઠેકાણે પાડવામાં અને ઠેકાણે કરવામાં માણસ ખુદ પોતે ઠેકાણા વગરનો થઈ જાય છે...
    miteshda, aa line mujab, personal aunbhvo atla vadhi gaya ke aa priority j change kari nakhi... :P pan have maja ave che...

    જવાબ આપોકાઢી નાખો