હોમ

મંગળવાર, 17 ઑક્ટોબર, 2017

દિવાળીની મજા ૧૯૮૦ ના દાયકાની વાત

આજે સાંજે ગુરૂકુળ રોડ, વ્યાસ વાડી અને નારણપુરાના માર્કેટમાં અવર્ણનીય ભીડ જોઈ બાળપણમાં એક યાત્રા આપોઆપ થઈ ગઈ. 1977 - 1984.

મુંબઈમાં રવો, મેંદો, ખાંડ, સિંગતેલ કે ઈવન આરે ડેરીનું દુધ...સવારના એક હળવો અવાજ મિતેષ ચાલો દુધનો સમય થયો. અને સવારે સાડા પાંચ વાગ્યે લાઈનમાં ઉભા રહી જવાનું. ખુદના કાર્ડ (યસ ક્વોટા મુજબ જ મળે) ઉપરાંત જે પાડોશીઓ વેકેશનમાં દેશ માં ગયા હોય એમના પણ કાર્ડ સાથે. સાત વાગ્યા સુધીમાં દુધ મળી જાય. જેના પાસે કાર્ડ ન હોય એને "પરત રાંગેત યા, જાસ્ત અસેલ તર મિળેલ".

દુધ બાદ તેલની લાઈન અને રવો મેંદો અને ખાંડની લાઈન. આ બધું અઢીસો ગ્રામ પ્રત્યેક વ્યક્તિનું.
મીઠાઈ અલભ્ય અને માવો લેવા દાદર જવું પડતું. ગ્રાન્ટરોડ શાકભાજી માર્કેટ મોંઘુ. એટલે ભાયખલ્લા કે ક્રોફર્ડ માર્કેટ જ જવું પડતું.

મહેમાનો ઘરે પધાર્યા હોય, મુંબઇ દિવાળી કરવા અને ફરવા. એમને આ જફામાં પાડવાના ન હોય.

લગભગ ત્રણ દિવસની ફિલ્ડિંગ બાદ પુરતો સ્ટોક થાય. હા દુધ માટે રોજ.

બપોરના બે વાગ્યા બાદ મહેમાનોને મુંબઈમાં ફેરવવા લઈ જવાની જવાબદારી. અને એ પણ પદયાત્રા. હેંગીંગ ગાર્ડનથી નરીમાન પોઈંટ (બીજી વાર મહેમાન હિંમત ન કરે એટલી જ ભાવના  ) અને થાકેલા મહેમાનો મીઠી ફરીયાદ કરે કે આ મિતેષ બહુ ચલાવે.

અને રાત્રે ગણતરીના ફટાકડા ફોડવામાં આવે.પછી અંતાક્ષરી, રંગોળી અને જ્યાં જગ્યા મળે ત્યાં ઉંઘી.જવાનું. એમાં પણ આનંદની અનુભૂતિ થાય.

ઓછપ ક્યારેય નહોતી અનુભવી. એક રૂમ રસોડાના ઘરમાં સત્તર થી વિસ મહેમાનો સાથે સંકડામણ નહોતી અનુભવી. સ્ટેશન (મુંબઇ સેન્ટ્રલ ઘરથી વોકિંગ ડીસ્ટન્સ) લેવા જવામાં પણ ઉમળકો હતો.

ભભકો વધ્યો, ભૌતિક સુખ સગવડો વધી. પણ પારીવારીક આત્મિયતા આજે અલભ્ય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો