તમે નાસ્તો કરો છો કે કોઈનો નાસ્તો બની રહ્યા છો?
અત્યારે વ્યવસાય, નોકરી કે ધંધામાં હરીફાઇ સતત અને સખત છે. કોણ કોને ક્યારે પછાડી દેશે અને કયા સંજોગોમાં એ મહાત આપશે એની આગાહી કરવી અશક્ય છે. આજનો નંબર વન આવતી કાલે ક્યાં હશે એ પણ નક્કી નથી હોતું.
ભારતમાં સૌથી વધારે ડીજીટલ કૅમેરા કોણ વેચતું હશે? સામાન્ય રીતે પહેલા જવાબ આવે કે સોની, કેનન કે પછી નીકોન. જવાબ ખોટા છે. એ હવે સેમસુંગ કે નોકીયા છે. અને નોકીયા કે સેમસુંગનો મૂળ વ્યવસાય કૅમેરા બનાવવાનો નથી જ. એ જ રીતે, ભારતમાં સૌથી વધારે એલાર્મ ક્લૉક બનાવતી મોરબીની કંપનીનો હરીફ કોણ? અગેઇન જવાબ છે મોબાઇલ ફોન.
ભારતમાં સૌથી વધારે રેવન્યૂ રેકોર્ડેડ સંગીતમાં કોણ કરતું હશે? ટી-સિરીઝ? HMV સારેગામા? જવાબ છે, એરટેલ. ૩૦ સેકન્ડના એક કૉલર ટ્યુનની એમની આવક આ બન્ને મ્યુઝિક કંપનીના વાર્ષિક ટર્નઓવર જેટલી હોવાનો એક અંદાજ છે. અને એરટેલ એ સંગીત ડીસ્ટ્રીબ્યુશન કંપની નથી જ. એરટેલ એ ભારતનું સૌથી મોટું મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર ગૃપ છે. ૨૦૧૦ સુધી મોબાઈલ એટલે નોકીયા, એ પર્યાયવાચક શબ્દ ગણાતો. આજે આ સ્માર્ટફોનની રેઈસમાં નોકીયા લગભગ પરાજય પામ્યું છે.
તો પ્રશ્ન એ ઊઠે કે મારો હરીફ કોણ છે?
એપલે સોની સાથે શું કર્યું? જે સોની એ કોડાક સાથે કરેલું? સરળ બાબત છે કે નહી? કોડાક એ ફિલ્મ બેઝ્ડ કૅમેરામાં જ રહેવું કે ડીજીટલમાં આગળ વધવું એ નિર્ણયમાં ખુવાર થઈ ગયું. અને સોની એટલે ડીજીટલ એમ આગળ વધી ગયું. સોનીએ એક જમાનામાં ચમત્કાર કહી શકાય એ પ્રકારને વોકમેન કૉન્સેપ્ટ મૂકેલો, અને અત્યંત સફળ રહ્યા હતા. પણ એક કોમ્પ્યુટર બનાવતી કંપની એ જ સોનીના વ્યવસાયમાં ગાબડું પાડે એ સોની માટે કદાચ કલ્પના બહારની બાબત હતી. એમને સ્વપ્નોમાં પણ ખ્યાલ નહી હોય કે એકે કોમ્પ્યુટર બનાવતી કંપની મહાત આપી શકે. એવું જ કાંઈક IBM સાથે થયું, એમનો મેઈનફ્રેમ કોમ્પ્યુટરનો જામેલો ધંધો, પર્સનલ કોમ્પ્યુટર ક્ષેત્રમાં પ્રવેશવા માટે ધ્યાનમાં ન રાખ્યો કે ન રહ્યો, અને આજે ઇતિહાસ છે કે IBM પર્સનલ કોમ્પ્યુટીંગમાં બજાર ચૂકી ગયું છે. નેટસ્કેપ એ એક એવું ઇન્ટરનેટ બ્રાઉઝર હતું કે જે ખરીદવું પડતું (ભારતમાં આપણને સોફ્ટવેર ખરીદવું એ અજાયબ લાગે, પણ સત્ય છે) માઈક્રોસોફ્ટ વીન્ડોઝની સાથે IE (ઇન્ટરનેટ એક્સ્પ્લોરર) મફત મળવા લાગ્યું, નેટસ્કેપની દુકાન રાતોરાત બંધ થઈ ગઈ.
આજનો હરીફ કાયમી નથી, અને આવતી કાલના હરીફ કોણ છે? કયા ખૂણેથી પ્રગટ થશે એ કલ્પના પણ નથી હોતી.
૨૦૦૮ના વરસમાં બ્રીટીશ એરવેઈઝના લંડન-ભારત રૂટ ઉપર હરીફ કોણ સાબિત થયું હશે? એર-ઈન્ડીયા, સીંગાપોર એરલાઈન્સ? જવાબ છે CISCO. આ CISCO કે HP ની ટેલી-વીડિયો કોન્ફરન્સીંગ સર્વીસીઝને કારણે બિઝનેસ ટ્રાવેલ્સમાં મોટો ઘટાડો નોંધાયેલો અને એ સતત ચાલુ જ છે. બિઝનેસમાં મંદી, કોસ્ટ કટિંગ અને ખર્ચા ઉપર કાપ મૂકવાના અનેક પગલાંઓને કારણે આ પ્રકારની સર્વીસીઝ નિયમિત ઉપયોગમાં લેવાવા માંડી. હવે એક એર-લાઈન્સને કેમ કલ્પના હોય કે એમના હરીફ ક્યાંથી પ્રગટ થશે? એર-લાઇન્સના મૅનેજમેન્ટને આશા હતી કે જેવી મંદી પૂર્ણ થશે, બિઝનેસ પાછો યથાવત્ થશે. પણ એ આશા ઠગારી નીવડે એમ સાબિત થઈ રહ્યું છે.
બે દસકા પહેલાં એક રાત્રિની અંદર ૩-૪ ફિલ્મ જોવા માટે ભારે ધરખમ VCR કે VCP ભાડે લાવીને જોતા હતા. ભાડે એટલાં માટે કે એ VCR/VCP કિંમતમાં પણ ભારે જ હતાં. મોટી VHS કેસેટ (જેની લાઇફ પાછી મર્યાદિત) અને આજે બ્લ્યુ-રે DVDના જમાનામાં તો એ મ્યુઝિયમ આઈટમ બની જ ચૂક્યાં છે. લાખ રૂપિયા આસપાસથી મળતાં પર્સનલ કોમ્પ્યુટર આજે ફક્ત થોડા જ હજારોમાં મળતાં થઈ ગયા. અને હવે ટૅબ્લેટ, નોટિસ વગેરે લેપટોપ, અને એના સસ્તા પર્યાય જેવા નોટબુકને પણ ખાઈ રહ્યા છે.
ક્રિકેટ અને બોલીવુડ – ભારતના મોટા આકર્ષણ કેન્દ્ર. બન્ને અલગ અલગ ક્ષેત્ર. એક બીજા સાથે નાહવાનો કોઈ જ સંબંધ નહી. વન ડે મેચ આખા દિવસનો, હરીફાઈનો કોઈ પ્રશ્ન જ ન આવે. પણ આ ૨૦-૨૦ મેચ એ ત્રણ કલાકનો થઈ રહ્યો. અને એમાં પણ આ વર્લ્ડ કપ કે પછી IPL મુવીને ઝાંખાં પાડી નાખે છે. એ સમયગાળામાં નવા મુવી રીલીઝ થતાં નથી. અને આ ક્રિકેટની મેચ વખતે મુવી હોલ ખાલી નજરે ચડે છે. ખાલી હોલ તો પોસાય નહી? એટલે એ મલ્ટીપ્લેક્સ વાળાઓ IPL કે વર્લ્ડ કપના રાઈટ્સ લઈ મેચને સ્ક્રીન કરે છે. ક્રિકેટ એ માત્ર રમત ન રહેતાં એ એક પૂર્ણ મનોરંજન બની રહ્યું છે. હરીફાઈ ક્યાંથી આવે?
છેલ્લા વીસ વરસમાં કેટલી પ્રોડક્ટ બજારમાંથી અદ્ર્શ્ય થઈ કે થઈ રહી છે?
એલાર્મ ક્લૉક, રેડિયો, મ્યુઝિક સીડી (જેને MP3/MP4 ફોરમેટ ખાઈ ગયું) અને વધ્યું એ FM રેડિયો કામ તમામ કરી રહ્યું છે. અને FM રેડિયો ક્યાં સાંભળે? મોબાઈલ – ઓબ્વીયસ જવાબ છે. ટાઈપરાઈટર હવે અદ્રશ્ય થઈ ગયા છે. કદાચ કોર્ટની બહાર જોવા મળે છે. આજે બેંકમાં કશિયર ચેમ્બર બહાર લાઈન્સ પણ ગાયબ થઈ રહી છે. ATMને કારણે સગવડ ખૂબ વધી, કામમાં સરળતા પણ વધી છે.
અસંખ્ય આ પ્રકારના ઉદાહરણ આપણી સમક્ષ આવશે.
મુસાફરી કરતી વખતે કુંજા/વોટરબેગ એ સામાન્ય જરૂરિયાત રહેતી, આજે બોટલ્ડ વોટર એ અનિવાર્ય જરૂરિયાત બની રહી છે. પહેલાં કોઈ પણ શહેરમાં પ્રવેશો એટલે તમને અનેક મોટર ગૅરેજ જોવા મળતાં, અને એમ્બેસેડર, પ્રીમિયર પદ્મની લાઈન બંધ ત્યાં સર્વિસ (આમ તો તકલીફ નિવારણ) માટે જોવા મળતી, આજે એ તમામ વર્કશોપ અદ્રશ્ય થઈ ગયા છે.

માટે જ તમે તમારો નાસ્તો કરે છે કે કોઇનો નાસ્તો બની રહ્યા છો?
એક ઇ-મેઇલને આધાર